સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી સગીરવયની કિશોરીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં અમરોલી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી સિયારામ અચ્છલ વિશ્વકર્માને ઝડપી પાડી કાયદાના સકંજામાં લઈ લીધો છે.
17 વર્ષીય કિશોરીને વતન લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આરોપી સિયારામ અચ્છલ વિશ્વકર્માએ અમરોલી વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને લલચાવી-ફોસલાવીને તેનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ આરોપી કિશોરીને પોતાની સાથે પોતાના વતન લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ
સગીરા ગુમ થવા અંગે પરિવારજનો દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમરોલી પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપીના સગડ મેળવવા માટે કવાયત હાથ ધરી હતી.

કિશોરીને મુક્ત કરાવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
પોલીસની સઘન તપાસ દરમિયાન આરોપીનું લોકેશન ટ્રેસ થતા પોલીસે દરોડો પાડી આરોપી સિયારામ વિશ્વકર્માની ધરપકડ કરી હતી અને તેના કબ્જામાંથી 17 વર્ષીય કિશોરીને સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Surat News: ઉત્તર પ્રદેશ અને બિહાર માટે દોડાવાયેલી ટ્રેનોથી 6 લાખ મુસાફરોએ મુસાફરી કરી