સુરત શહેરમાં પ્લાસ્ટિક પોલીમરના દાણાના વેપારમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે.આ સમગ્ર ઘટનાની વિગતો અનુસાર આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયા 6,55,69,344ની કિંમતના પ્લાસ્ટિક પોલીમરના દાણાની ખરીદી કરી હતી.આટલી મોટી રકમનો માલ ખરીદ્યા બાદ લાંબા સમય સુધી પેમેન્ટ ન આવતા ફરિયાદી ચિંતિત બન્યા હતા.ફરિયાદીએ પોતાની બાકી રકમ મેળવવા માટે આરોપીઓનો વારંવાર સંપર્ક કર્યો હતો.જોકે આરોપીઓએ નાણાં ચૂકવવાના બદલે પોતાના તમામ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા.આરોપીઓ સંપર્કવિહોણા થઈ જતાં ફરિયાદી સાથે વિશ્વાસઘાત થયો હોવાનું સ્પષ્ટ થયું હતું.ભોગ બનનાર ફરિયાદીએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
પકડાયેલા ચારેય આરોપીઓને સુરત લવાયા
ફરિયાદ નોંધાયા બાદ સુરત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક ગુનાની તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસે આ આર્થિક છેતરપિંડીના મામલામાં કડક વલણ અપનાવી તપાસ તેજ બનાવી હતી.આ કેસની તપાસ દરમિયાન અગાઉ સુરત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લલિત,કિરણ અને ઉત્તમ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.આ ત્રણેય આરોપીઓની પૂછપરછમાં અન્ય સાગરીતોની સંડોવણી સામે આવી હતી.ત્યારબાદ ફરાર અન્ય આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.સુરત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસના આધારે રાજકોટ ખાતે કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે રાજકોટમાંથી આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.પકડાયેલા ચારેય આરોપીઓને સુરત લાવી આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
