હીરાનગરી સુરતમાં નશાના કારોબાર સામે પોલીસે સપાટો બોલાવવાનું ચાલુ રાખ્યું છે. સુરત શહેરના પોશ ગણાતા અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા ઝીંગા સર્કલ પાસેથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદે વેચાઈ રહેલું MD ડ્રગ્સ (મેફેડ્રોન) ઝડપી પાડ્યું છે. પોલીસે સ્થળ પરથી આશરે રૂ. 87,000ની કિંમતનો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખલિલ શેખ નામના ઈસમની અટકાયત
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ખલિલ શેખ નામનો શખ્સ આ MD ડ્રગ્સનો જથ્થો પોતાની પાસે રાખીને છૂટક વેચાણ માટે ફરી રહ્યો હતો. પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવીને બેઠેલી પોલીસ ટીમે તેને ઝીંગા સર્કલ પાસે કોર્ડન કરીને ઝડપી લીધો હતો અને તેની તલાશી લેતા નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.
ડ્રગ્સ સપ્લાયર અસ્ફાક વોન્ટેડ જાહેર
પકડાયેલા આરોપી ખલિલ શેખની કડક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ ડ્રગ્સનો જથ્થો તેને અસ્ફાક નામના શખ્સે પૂરો પાડ્યો હતો. આ ચોંકાવનારા ખુલાસા બાદ પોલીસે અસ્ફાક સામે પણ ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે અસ્ફાકની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

શહેરમાં વધતા ડ્રગ્સના ચલણ સામે પોલીસની લાલ આંખ
છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં યુવાધનને બરબાદ કરી રહેલા MD ડ્રગ્સનું ચલણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અવારનવાર શંકાસ્પદ વિસ્તારોમાંથી નશીલા પદાર્થો પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે. જોકે, સુરત પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ડ્રગ્સના કારોબારીઓ પર સતત ધોંસ બોલાવી રહી છે.
આ પણ વાંચો: Surat News: માંગરોળમાં પ્લાયવુડ કંપનીમાં લાગી ભયાનક આગ, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ