બારડોલી નજીક ઉવા ગામ પાસે આખા પરિવારને નહેરમાં ફેંકી દેવાના ચકચારી કેસમાં પોલીસ તપાસ તેજ બની છે. ઘટનામાં જીવિત બચેલા 13 વર્ષના કિશોરનું નિવેદન પોલીસ માટે મહત્વપૂર્ણ કડી સાબિત થઈ રહ્યું છે. કિશોરે આરોપીઓમાંથી એક શખ્સને ઓળખી બતાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ સુરાગના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચવા તપાસ કરી રહી છે.

આરોપીઓને પકડવા 8 ટીમો સક્રિય

આરોપીઓને ઝડપી પાડવા સુરત ગ્રામ્ય પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ સહિત 8 ટીમો બનાવવામાં આવી છે. પોલીસ માનવીય માહિતી અને ટેકનિકલ તપાસ સહિતના વિવિધ પાસાઓથી આરોપીઓની શોધખોળ કરી રહી છે. મહારાષ્ટ્ર પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને તે તપાસમાં જોડાઈ છે. મહારાષ્ટ્રમાં રહેતા પરિવારના સંબંધીઓનો સંપર્ક કરીને પણ માહિતી મેળવવામાં આવી રહી છે.

બે બાળકોની શોધખોળ હજુ ચાલુ

આ ઘટનામાં માતા-પિતા સહિત 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે પરિવારનાં બે બાળકો હજુ લાપતા છે. તેમની શોધખોળ માટે તમામ પોલીસ મથકોને જાણ કરવામાં આવી છે. સિંચાઈ વિભાગની મદદ પણ લેવામાં આવી રહી છે. નહેરમાં લાપતા બાળકોની ભાળ મેળવવા પોલીસ અને સંબંધિત ટીમો પ્રયાસ કરી રહી છે.

આરોપીઓ પકડાયા બાદ જ હત્યાનું કારણ બહાર આવશે

હાલ પોલીસ માટે સૌથી મોટો પડકાર આરોપીઓને ઝડપી પાડવાનો અને લાપતા બે બાળકોને શોધવાનો છે. પરિવારને નહેરમાં ફેંકી દેવા પાછળનું કારણ શું હતું અને આરોપીઓની પરિવાર સાથે કેવી દુશ્મની હતી તે હજુ સ્પષ્ટ થયું નથી. આરોપીઓની ધરપકડ બાદ જ સમગ્ર ઘટનાનું કારણ બહાર આવી શકે છે.

શું હતી ગઈકાલની ઘટના?

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીકથી પસાર થતી નહેરમાં એક શ્રમજીવી પરિવારના સભ્યોને જીવતા ફેંકી દેવાની અત્યંત ક્રૂર ઘટના સામે આવી હતી. મૂળ મહારાષ્ટ્રના જલગાંવ નજીકના વતની અને એરંડોલ ખાતેની ફેક્ટરીમાં મજૂરીકામ કરતા પરિવારના સભ્યો ગત 21મી તારીખે સુરત ખાતે મજૂરીકામ માટે કારમાં નીકળ્યા હતા.

કાર આંતરી પરિવારને નહેરમાં ફેંક્યો

પરિવાર ઉવા ગામ નજીક નહેર પાસે પહોંચ્યો ત્યારે અન્ય એક અજાણી કારમાં આવેલા 4 શખ્સોએ તેમની કારને આંતરીને રોકી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોને કારમાંથી નીચે ઉતારી નહેરના ઊંડા પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ, માતા-પિતાને અલગ કારમાં અને બાળકને અલગ કારમાં રાખવામાં આવ્યા હતા.

પાઇપ પકડીને 13 વર્ષના કિશોરનો બચાવ

નહેરમાં ફેંકાયેલા પરિવારના સભ્યોમાંથી 13 વર્ષીય કિશોરના હાથમાં નહેરમાં રહેલી એક પાઇપ આવી જતાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો. નહેરમાંથી બહાર નીકળ્યા બાદ તે નજીકની હોટેલ પાસે પહોંચ્યો હતો અને ત્યાં સમગ્ર ઘટનાની જાણ કરી પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

માતા-પિતા સહિત 3 મૃતદેહ મળ્યા

પોલીસે નહેરમાં શોધખોળ શરૂ કરતાં મહુવા તાલુકાના ડુંગરી નજીક ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠાની નહેરમાંથી એક પુરુષ, એક મહિલા અને એક યુવતી મળી કુલ 3 મૃતદેહો મળી આવ્યા હતા. પરિવારજનોએ મૃતદેહોની ઓળખ કરી હતી. મૃતક પિતાનું નામ નીતિન ઉર્ફે ભુરિયા પાટીલ અને મહિલાનું નામ કવિતા પાટીલ હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં એવી વિગતો પણ સામે આવી હતી કે કવિતા પાટીલના પ્રથમ પતિના અવસાન બાદ તે નીતિન ઉર્ફે ભુરિયા પાટીલ સાથે રહેતી હતી.

ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

આ મામલે ખંડીયો, આભો, બંટી અને એક અજાણ્યા ઇસમ મળી કુલ 4 શખ્સો વિરુદ્ધ બારડોલી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. હવે કિશોરના નિવેદન અને તેની ઓળખના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. 


આ પણ વાંચો :    Anupam Kherની ફ્લાઇટ સુરત ડાયવર્ટ, લેન્ડિંગની ક્ષણે વિમાને ફરી ભરી ઉડાન, મુંબઈ એરપોર્ટના ટ્રાફિક મેનેજમેન્ટ પર ઉઠાવ્યા સવાલ