સમાજમાં યુવતીના અભાવ વચ્ચે બીજા લગ્ન માટે નાસિકની અનાથ યુવતી સાથે પરણવા માટે રોકડા 2.19 લાખ રૂપિયા તથા દાગીના સહિત 3.04 લાખ રૂપિયા આપનાર રત્નકલાકારને રઝળતો મૂકી લૂંટેરી દુલ્હન લગ્નના પાંચમા દિવસે જ ફરાર થઇ ગયાની ફરિયાદ પૂણા પોલીસ મથકે નોંધાઇ છે. મૂળ ગીરગઢડાના વતની અને હાલ પૂણાહામ અમરધામ સોસાયટીમાં રહેતા પફુલ્લ દેવરાજ ગોહિલ રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. 2015માં તેમનાં પ્રથમ લગ્ન થયા હતા, પરંતુ દંપતી વચ્ચે ખટરાગ થતાં 2023માં છૂટાછેડા થઈ ગયા હતા.
દલાલોને 2.19 લાખ રૂપિયા આપવાનું ઠેરવ્યું
બીજાં લગ્ન કરવા માંગતા પ્રફુલ્લભાઈને સમાજમાંથી કન્યા મળવી મુશ્કેલ હોઈ લગ્ન ગોઠવી આપવા માટે જાણીતા તેમના જ સમાજના મોહન રામજી ટાંક મળ્યા હતા. તેમણે રાજસ્થાનના ઝાલોદના એજન્ટ જિતેન્દ્ર રૂપચંદ જૈન નાણાં લઈ લગ્ન કરાવી આપતો હોવાનું જણાવી નાસિક લઈ ગયા હતા. પાંચમી સપ્ટેમ્બર 24એ મોહન ટાંક, જિતેન્દ્ર જૈન, જિતેન્દ્રની પત્ની નિતા પ્રફુલ્લભાઇના ઘરે આવ્યા હતા. સાથે એક યુવતી શિતલ બાબુરાવ નિકમ આવી હતી તેની સાથે તેના મામા માધવ માઘ આવ્યા હતા. શિતલ અનાથ હોઈ લગ્ન પહેલાં તેનાં સંબંધી તથા દલાલોને 2.19 લાખ રૂપિયા આપવાનું ઠેરવ્યું હતું.
