ટેક્સટાઈલ માર્કેટમાં ટ્રેડિંગના નામે ભાવિ સાસુનું જીએસટી નંબર અને સહી કરેલા કોરા ચેક મેળવી લીધા બાદ સંબંધ તૂટી જવા છતાં ચેક આપી યાર્નની ખરીદી પેટે ૨૮.૯૯ લાખ રૂપિયાથી વધુનું દેવું નાંખી દેનાર પૂર્વ ભાવિ જયદીપ એવા મૂળ ભાવનગર જિલ્લાના જયદીપ સભાળિયા વિરૂદ્ધ કામરેજ પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધતા ચકચાર મચી ગઈ હતી.
ટેક્સ્ટાઈલના વેપારના નામે કોરા ચેકનો દુરુપયોગ
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગધકડા ગામના વતની અને હાલ કામરેજના પાસોદરા પાટિયા સ્થિત વાસ્તુ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતી 54 વર્ષીય ગૃહિણી અનસૂયાબેન વિનુભાઈ ઠુમ્મરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની દીકરી ભૂમિકા અગાઉ ફેશન વર્લ્ડનામે ઓનલાઈન વેપાર કરતી હતી.જેના માટે અનસૂયાબેનના નામે જીએસટી નંબર લેવામાં આવ્યો હતો.બાદમાં ભૂમિકાને ખાનગી ઓફિસમાં નોકરી મળી જતા આ ઓનલાઈન વેપાર બંધ કરી દીધો હતો. આ દરમિયાન ભૂમિકાની સગાઈ મૂળ ભાવનગર જિલ્લાના જસપરા ગામના વતની અને હાલ નવાગામ પાસોદરા પાટિયા ખાતે નવકાર રેસિડેન્સીમાં રહેતા જયદીપ જાદવભાઈ સભાળિયા સાથે થઈ હતી.જોકે સગાઈ બાદ પરિવારમાં અવરજવર વધતા જયદીપે ટેક્સટાઈલ માર્કેટમાં ટ્રેડિંગમાં કામ માટે જીએસટી નંબર તેમજ બેંક ખાતાની જરૂર હોવાનું જણાવી ભાવિ સાસુનો વિશ્વાસ કેળવ્યો હતો.
કાનૂની નોટિસ આવતા પરિવાર ચોંકી ઉઠ્યો
લગ્ન નક્કી થયેલા હોવાથી કોઈ ગેરરીતિ નહીં થાય તેવી ખાતરી આપતા પરિવારે અનસૂયાબેનના નામે આઈડીએફસી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવી આપ્યું હતું અને જીએસટી નંબર સાથે ૨૫ સહી કરેલા કોરા ચેક જયદીપને સોંપ્યા હતા.જોકે થોડા સમય બાદ પારિવારિક મનમેળ ન બેસતા આ સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ તૂટતા પરિવારે જીએસટી નંબરનો ઉપયોગ બંધ કરવા અને સહી કરેલા કોરા ચેક પરત માંગ્યા હતા પરંતુ આરોપી જયદીપે તમામ ચેક ધંધામાં વપરાઈ ગયા હોવાનું કહી પરત આપ્યા નહોતા.આ ઘટના બાદ રુદ્રાક્ષ પોલીયાર્ન એલએલપી નામની પેઢી તરફથી અનસૂયાબેનના ઘરે ચેક રિટર્નની કાનૂની નોટિસ આવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો.
નાણાની ભરપાઈ ન કરી વિશ્વાસઘાત કર્યો
તપાસ કરતા સામે આવ્યું કે જયદીપે આ પેઢીમાંથી 2260571 રૂપિયાનું યાર્ન ખરીદ્યું હતું અને સિક્યુરિટી પેટે અનસૂયાબેનનો સહીવાળો ચેક આપ્યો હતો.પેમેન્ટ નહીં ચૂકવતા પેઢીએ ચેક જમા કરાવ્યો હતો જે બાઉન્સ થતા વ્યાજ અને નુકસાનીના 677710 રૂપિયાનો ઉમેરો કરી કુલ 2898282 રૂપિયાની વસૂલાતની નોટિસ ફરિયાદીને મોકલાઈ હતી.જોકે આ મામલે પરિવારે જયદીપનો સંપર્ક કરતા તેણે નોટરી રૂબરૂ લખાણ કરી આપી તમામ નાણાકીય જવાબદારી પોતાની હોવાનું સ્વીકારી 15 દિવસમાં રકમ ચૂકવી દેવાની બાંહેધરી આપી હતી.તેમ છતાં આજદિન સુધી તેણે નાણાની ભરપાઈ ન કરી વિશ્વાસઘાત કર્યો હતો.આખરે ભોગ બનનાર પરિવારે સમગ્ર મામલે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હરકતમાં આવેલી કામરેજ પોલીસે જયદીપ જાદવભાઈ સભાળિયા વિરૂદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Surat News: નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ માસ સીએલ પર, કાળી પટ્ટી બાંધી વોટ્સએપ ગ્રુપ છોડ્યા