સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે ભેસ્તાન વિસ્તારના ભીંડી બઝારમાં આવેલી ચાની દુકાન નજીક વધુ એક હત્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં માત્ર 18 વર્ષના શકીલ ઉર્ફે બાંગા નામના યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે, જ્યારે તેનો સાથી મિત્ર સોહેલ ઉર્ફે અલ્લુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
સુરતમાં વધુ એક હત્યાનો બનાવ
હત્યાનો આ બનાવ ગઈકાલે રાત્રે આશરે 10:30 વાગ્યાની આસપાસ બન્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, શકીલ અને સોહેલ ચાની દુકાન પાસે ઊભા હતા, તે દરમિયાન અચાનક કેટલાક હુમલાખોરોએ આવીને તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા, જેમાં શકીલ ઉર્ફે બાંગાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આ હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી છે. આ બનાવ બે જૂથો વચ્ચેના જૂના વેરઝેરનું પરિણામ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, આ હત્યા પાછળ લિંબાયતની જાણીતી 'દાલ ચાવલ, લસ્સી ગેંગ' ના સભ્યોનો હાથ હોવાનો આરોપ લાગી રહ્યો છે. આ પ્રકારની ગેંગની સક્રિયતા શહેરની કાયદો-વ્યવસ્થા અને શાંતિ માટે મોટો ખતરો છે.










