સુરતની વિશેષ કોર્ટે એક ગંભીર ગુનામાં ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો આપીને સમાજને કડક સંદેશ આપ્યો છે. માત્ર પાંચ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનારા આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદો નવા ક્રિમિનલ કાયદા ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ આપવામાં આવેલી પ્રથમ કડક સજાઓમાંનો એક છે.


સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનારને આજીવન કેદ

બનાવની વિગતો અનુસાર, ગત 2 જુલાઈ, 2024 ના રોજ સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં આ ગંભીર ગુનો દાખલ થયો હતો. પોલીસ ફરિયાદમાં નોંધાયા મુજબ, આરોપી સુરેશ ગૌસ્વામી બાળકીના પરિવારથી પરિચિત હતો. તેણે પાંચ વર્ષની બાળકીને બિસ્કિટ આપવાના બહાને લલચાવીને તેનું અપહરણ કર્યું હતું અને પોતાના ઘરે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ડિંડોલીમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હતું

જ્યારે બાળકીના દાદા-દાદીએ સુરેશના ઘરે જઈને જોયું તો બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. આ જઘન્ય કૃત્ય બદલ પરિવારે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી સુરેશ ગૌસ્વામીની ધરપકડ કરી હતી. આ કેસની સુનાવણી સુરતની વિશેષ કોર્ટમાં ચાલી હતી. કોર્ટે પુરાવાઓ અને તબીબી અહેવાલોને ધ્યાનમાં રાખીને આરોપીને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, આવા જઘન્ય ગુના સમાજ માટે ગંભીર ખતરો છે અને માસૂમ બાળકી સાથેના કૃત્યને સહેજ પણ માફ કરી શકાય નહીં.

બિસ્કિટ આપવાના બહાને બાળકીનું કર્યુ અપહરણ

સૌથી મહત્વની બાબત એ છે કે, કોર્ટે આરોપી સુરેશ ગૌસ્વામીને નવા અમલમાં આવેલા કાયદા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ હેઠળ સજા ફટકારી છે. BNS કાયદામાં આવા ગંભીર ગુનાઓ માટે સુધારા સાથે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. સુરત શહેર કોર્ટનો આ ચુકાદો BNS હેઠળ આવા ગુનામાં ફટકારવામાં આવેલી પ્રથમ કડક સજાઓમાંનો એક ગણાય છે. કોર્ટે આરોપી સુરેશ ગૌસ્વામીને મૃત્યુ પર્યંતની આજીવન કેદની સજા ફટકારીને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, નિર્દોષ બાળકો પર નજર બગાડનારાઓને કાયદો સહેજ પણ છોડશે નહીં. આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને સમાજમાં ગુનેગારો સામે કાયદાનો ડર વધશે.

  • Follow us on: