સુરત શહેરના ચર્ચાસ્પદ ભાજપ કાર્યકર હત્યા કેસમાં જેલહવાલે થયેલા કુખ્યાત ગુનેગાર સાગર ઉર્ફે 'માન્યા ડુક્કર'નો આતંક ઓછો થવાનું નામ લેતો નથી. હાલ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ હોવા છતાં માન્યા ડુક્કર સામે ખંડણી અને રંગદારીનો વધુ એક ગંભીર ગુનો સુરત પોલીસ ચોપડે નોંધાયો છે.

બિલ્ડર અને કોન્ટ્રાક્ટરને ધમકાવી 15 લાખ માગ્યા

મળતી વિગતો અનુસાર, આરોપી સાગર ઉર્ફે માન્યા ડુક્કરે લિંબાયત વિસ્તારમાં એક બિલ્ડર પાસે 15 લાખની તગડી ખંડણીની માંગણી કરી હતી. એટલું જ નહીં, અગાઉ તેણે ચપ્પુ બતાવી બળજબરીપૂર્વક ₹10,000 પડાવી લીધા હતા. આરોપી અને તેની ગેંગે લિંબાયતમાં ચાલી રહેલી એક બાંધકામ સાઇટ પર અચાનક ધસી જઈને ત્યાં હાજર કોન્ટ્રાક્ટર અને શ્રમિકોને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ સાઇટ પર ચાલતું કામ પળવારમાં બંધ કરાવી દહેશતનો માહોલ ઉભો કર્યો હતો.

જેલમાંથી પણ ગુનાખોરી અટકતી નથી

હત્યા જેવા ગંભીર ગુનામાં જેલમાં હોવા છતાં ભૂતકાળના ગુનાઓની કડી રૂપે ખંડણીનો નવો કિસ્સો સામે આવ્યો. લિંબાયત પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે સાગર ઉર્ફે માન્યા ડુક્કર સામે ધાકધમકી, લૂંટ અને ખંડણીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેલમાં બંધ આ આરોપીની ટ્રાન્સફર વોરન્ટ અથવા કાનૂની પ્રક્રિયા હેઠળ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: Sayla: વાડીમાં 7 કિલો ગાંજો મૂકી નિર્દોષને ફસાવનાર બાતમીદાર જ નીકળ્યો આરોપી; 2 ની ધરપકડ