શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી નાગરિકો સાથે લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી આંતરરાજ્ય સાયબર ક્રિમિનલ ગેંગ સામે સુરત સાયબર ક્રાઇમ પોલીસે મોટી સફળતા મેળવી છે. ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બોગસ ટ્રેડિંગ લિંક મોકલીને સુરતના એક ફરિયાદી પાસેથી રૂ. 3.58 લાખથી વધુની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેવાઈ હતી. ઠગો દ્વારા એપ્લિકેશનમાં બોગસ નફો દર્શાવીને બાદમાં રકમ વિડ્રો ન દઈને ફ્રોડ આચરવામાં આવ્યું હતું.

ફેક લિંક અને વર્ચ્યુઅલ પ્રોફિટ બતાવી 3.58 લાખ પડાવ્યા

આ મામલે તકનીકી તપાસ હાથ ધરીને સુરત સાયબર ક્રાઇમની ટીમે મહારાષ્ટ્રના પરભણી ખાતે દરોડો પાડીને બે આરોપીઓ ઉદ્ધવ ગોંધલી અને ગોપેન્દ્ર શિંદે ને ઝડપી પાડ્યા છે.પોલીસની ઝીણવટભરી પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ઝડપાયેલા બંને આરોપીઓ બોગસ ફર્મના નામે અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવતા હતા. આ એકાઉન્ટ્સ કમિશન મેળવીને મુખ્ય સાયબર ગેંગને પૂરા પાડવામાં આવતા હતા.

પરભણીથી બે આરોપીની ધરપકડ

આરોપીઓએ આપેલા બેંક એકાઉન્ટમાં ટૂંકા સમયમાં રૂ. 1.47 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયેલા મળી આવ્યા છે. રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર તપાસ કરતાં આ બેંક ખાતાઓ સામે દેશના વિવિધ રાજ્યોમાં 13 જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર સિન્ડિકેટ દ્વારા દેશભરમાં માસૂમ રોકાણકારો સાથે કુલ રૂ. 40.48 કરોડથી વધુની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સુરત સાયબર ક્રાઇમે BNS અને આઇટી એક્ટ (IT Act) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને પકડાયેલા બંને સાગરીતોની કસ્ટડી મેળવી છે, તેમજ આ આંતરરાજ્ય નેટવર્કના મુખ્ય સૂત્રધારો અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: ઉત્રાણ વિસ્તારમાં રાત્રિના સમયે મોંઘા બૂટની ચોરી કરતો ચોર ઝડપાયો, 25 જોડી શૂઝ જપ્ત