હીરાનગરી સુરતના કતારગામ વિસ્તારમાં વેપારી સાથે કરોડો રૂપિયાની વિશ્વાસઘાત અને ઠગાઈની ઘટના સામે આવી છે. કતારગામ ખાતે આવેલી જાણીતી 'જે.કે.સ્ટાર જ્વેલ્સ' નામની પેઢીના હીરા વેપારીને કેરળની ત્રિપુટીએ પોતાની જાળમાં ફસાવી રૂ. 1.53 કરોડની માતબર રકમનો ચૂનો ચોંટાડ્યો છે. આ મોટી ઠગાઈની ઘટના બહાર આવતાં જ સુરતના હીરા બજાર અને વેપારી આલમમાં અરેરાટી અને ભારે સનસનાટી મચી ગઈ છે.

વિશ્વાસ જીતી 60 દિવસની ઉધારી પર હીરા મેળવ્યા

ઠગબાજ ત્રિપુટીએ સુઆયોજિત કાવતરાના ભાગરૂપે શરૂઆતમાં વેપારી સાથે સારા સંબંધો બાંધી તેમનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ, 60 દિવસની ઉધારી સમયમર્યાદા (ક્રેડિટ) પર રૂ. 1.53 કરોડની કિંમતના હીરા મેળવ્યા હતા. જોકે, પેમેન્ટની મુદત પૂરી થતાં જ આરોપીઓ વેપારીને નાણાં ચૂકવવાને બદલે હીરા લઈને રાતોરાત ફરાર થઈ ગયા હતા. વેપારીએ સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં આખી ઠગાઈનો પર્દાફાશ થયો હતો.

ઇકો સેલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

વિશ્વાસઘાતનો ભોગ બનેલા હીરા વેપારીએ આંગણડિયા કે પેમેન્ટ અંગે કોઈ સંતોષકારક જવાબ ન મળતાં આખરે પોલીસના શરણે જવાનું નક્કી કર્યું હતું. ઘટના અંગે સુરત પોલીસના ઇકોનોમિક ઓફન્સ વિંગ (ઇકો સેલ) પોલીસ સ્ટેશનમાં આરોપી ત્રિપુટી વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને કેરળની આ ઠગ ત્રિપુટીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ ધમધમાટ શરૂ કરી છે.