સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી પોલીસે એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાતું પદાર્થ)નું ગેરકાયદેસર વેચાણ કરતી ગેંગને ઝડપીને મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર આરોપીઓ પાસેથી અંદાજે 1.07 કિલો એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ પદાર્થની કિંમત લગભગ ₹1.07 કરોડ જેટલી હોવાનું માનવામાં આવે છે.
સુરતના માર્કેટમાં ઊંચા ભાવે વેચવા માટે લાવ્યા હતા
એમ્બરગ્રીસનો ઉપયોગ મુખ્યત્વે મોંઘા પરફ્યુમ બનાવવા માટે થાય છે, જેના કારણે તેની માગ ખૂબ ઊંચી રહે છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ આ એમ્બરગ્રીસ ભરૂચ જિલ્લાના એક માછીમાર પાસેથી લઈને આવ્યા હતા. ત્યારબાદ તેઓ તેને સુરતના બજારમાં ઊંચા ભાવે વેચવાના ઈરાદે ગ્રાહકો શોધી રહ્યા હતા. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે રેડ કરીને આ ગેંગને ઝડપી પાડવામાં આવી છે.













