સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી પોલીસે ચલણી નકલી નોટ બનાવતા ત્રણ યુવકોને ઝડપી પાડ્યા છે. આ યુવકો પોતાના ઘરમાં જ બેસીને નકલી નોટો છાપતા હતા અને આગામી દિવાળીના તહેવારનો લાભ લઈને આ નોટો બજારમાં વટાવવાની ફિરાકમાં હતા. પોલીસને બાતમી મળી હતી કે, પાંડેસરા વિસ્તારમાં કેટલાક યુવકો દ્વારા નકલી નોટો છાપવાનું કામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી ત્રણ યુવાન આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પાંડેસરામાંથી નકલી ચલણી નોટો ઝડપાઇ
પોલીસે સ્થળ પરથી 500 રૂપિયાના દરની 3 નોટ, 200 રૂપિયાના દરની 3 નોટ અને 100 રૂપિયાના દરની 6 નોટ સહિતની નકલી ચલણી નોટો કબજે કરી હતી. નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતું પ્રિન્ટર, પેપર અને કલર સહિતનો અન્ય સામાન પણ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે કુલ ₹40,000/- ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










