સુરત શહેરની લીંબાયત પોલીસે સનસનીખેજ છેતરપિંડીના બે ગુનાનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી કાઢ્યો છે અને આ ગુનામાં સંડોવાયેલા ચાર રીઢા ઠગોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ટોળકી ગરીબોને મફતમાં અનાજ આપવાની લાલચ આપીને વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી હતી. બે વૃદ્ધા બની શિકાર, એક જ મોડસ ઓપરેન્ડી આ છેતરપિંડીની બે ઘટનાઓ લીંબાયત વિસ્તારમાં બની હતી.
છેતરપિંડી કરતા બે રીઢા આરોપી ઝડપાયા
લીંબાયતમાં રહેતા વિધવા સિંધુબેન ગવેરી મમતા ટોકિઝ પાસે કરિયાણું લેવા પહોંચ્યા હતા, ત્યારે તેમને આ ચાર શખ્સો મળ્યા હતા. તેઓએ સિંધુબેનને જણાવ્યું કે આગળ ગરીબોને મફત અનાજ આપવામાં આવે છે, અને આ લાલચ આપીને વૃદ્ધાને થોડેક દૂર લઈ ગયા હતા. ત્યાં ભીડનું બહાનું આપીને કહ્યું કે, "ભીડમાં કોઈ તમારું મંગળસૂત્ર કાઢી લેશે." આ પ્રકારે ડરાવીને વૃદ્ધા પાસેથી રૂ. 30 હજારના દાગીના અને રૂ. 4 હજારની રોકડ સાથેનું પર્સ લઈ આ શખ્સો રફુચક્કર થઈ ગયા હતા. આ જ ટોળકીએ આ ઘટનાના અઢી કલાક પહેલાં જ આસપાસ નગર-02માં રહેતી વત્સલાબેનને પણ આ જ ચાલાકીભરી મોડસ ઓપરેન્ડીથી છેતરીને તેમના દાગીના ઉતરાવી લીધા હતા.










