સુરત શહેરમાં વધુ ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે. શહેરમાં સચિન વિસ્તારમાં આધેડની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. સચિન વિસ્તારમાં રહેતા આધેડની એક યુવક સાથે સામાન્ય બાબતે બબાલ થઈ હતી. આધેડ દ્વારા યુવકને સામાન્ય ટકોર કરતા લાગી આવ્યું. અને યુવકે અત્યંત આક્રમક વલણ અપનાવતા આધેડની હત્યા કરી દીધી.

આધેડની હત્યા મામલે નોંધાયો ગુનો
આધેડની હત્યા મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો. સચિન પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા લાલા હળપતિની ધરપકડ કરી. સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એન.વાઘેલાએ આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે તળાવખોળિયું વિસ્તારમાં હળપતી વાસમાં રહેતા બે પરિવાર વચ્ચે વૃક્ષ કાપવા મામલે સામાન્ય બબાલ થઈ હતી.

વૃક્ષ કાપવા મુદ્દે બે પરિવાર વચ્ચે થઈ બબાલ
વધુમાં તેમણે કહ્યું કે હળપતી વાસમાં બે રાઠોડ પરિવાર રહે છે. અને ગઈકાલે જયારે આધેડ જગદીશભાઈ રાઠોડ પોતાના ઘરમાં વૃક્ષનું ટ્રીમીંગ કરી રહ્યા હતા ત્યારે તેમની બાજુમાં રહેતા લાલા હળપતીના પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. વૃક્ષના ટ્રીમીંગ મામલે બંને પરિવાર આમને-સામને આવી ગયા હતા. આધેડ જગદીશભાઈ વૃક્ષનું ટ્રીમીંગ કરી રહ્યા હતા ત્યારે ઝાડનો ઘણો બધો ભાગ પાડોશી લાલા ભાઈના ઘરમાં પડતો હતો. એટલે લાલા ભાઈના પરિવારે કહ્યું કે વૃક્ષની ઉપરથી ઈલેક્ટ્રીક વાયર પસાર થાય છે અને નીચે વાહનો પડયા છે. જો તમે ઝાડ કાપો છો તો અમારા વાહનને નુકસાન થશે. તો આ નુકસાનનું ભરપાઈ કોણ ચૂકવશે.

પોલીસે હત્યારાની કરી ધરપકડ
વૃક્ષના ટ્રીમીંગ બાબતે બે પરિવાર વચ્ચેની સામાન્ય બબાલ વધી ગઈ અને યુવાન લાલા હળપતી પોતાના ઘરમાં ગયો અને ચપ્પુ લઈ આવ્યો. 50 વર્ષીય આધેડ જગદીભાઈ રાઠોડ વૃક્ષ કાપીને જ રહીશ તેવી જીદ પકડતા યુવાન લાલા હળપતી પણ ક્રોધે ભરાયો. અને ગુસ્સામાં આવીને યુવાને 50 વર્ષીય આધેડ જગદીશભાઈને ચપ્પુના ઘા ઝીંકયા. યુવાનના તિક્ષ્ણ હથિયારથી હુમલો કરાતા 50 વર્ષીય આધેડનું મોત નિપજયું. પોલીસે આધેડની હત્યા કરનાર લાલા હળપતીની ધરપકડ કરી.
  • Follow us on: