હીરા ઉદ્યોગમાં મંદીની ગંભીર અસર માત્ર આર્થિક જ નહીં, પણ સામાજિક સ્તરે પણ જોવા મળી રહી છે. સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હીરામાં મંદીના કારણે નોકરી ગુમાવનાર એક રત્નકલાકારે પૈસા કમાવવા માટે ડ્રગ્સ પેડલરનો રસ્તો અપનાવ્યો હતો.સુરતની કાપોદ્રા પોલીસે ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી કરીને આરોપી શૈલેષ વાલજીભાઈ સાકરીયાને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી આશરે ₹5,000 રૂપિયાની કિંમતનું MD (મેફેડ્રોન) ડ્રગ્સ જપ્ત કર્યું છે.


હીરામાં મંદીને લીધે રત્નકલાકાર બન્યો ડ્રગ્સ પેડલર 

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી શૈલેષ સાકરીયા અગાઉ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. પરંતુ, હીરા ઉદ્યોગમાં આવેલી ભારે મંદીના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી. નોકરી છૂટ્યા બાદ તેને જુગાર રમવાની લત પણ લાગી હતી, જેના કારણે તે દેવામાં ડૂબી ગયો હતો. ટૂંકા ગાળામાં પૈસા કમાવવાના લોભમાં તે ડ્રગ્સના છૂટક વેચાણ તરફ વળ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ જપ્ત કર્યું

આરોપી MD ડ્રગ્સનો આ જથ્થો છૂટક વેચાણ કરવાના ઈરાદે કીમ ચોકડી પરથી કાદીર સલીમ પઠાણ નામના ઇસમ પાસેથી લાવ્યો હતો, ત્યારે જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. કાપોદ્રા પોલીસે આરોપી શૈલેષ સાકરીયા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે તેને ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સપ્લાયર કાદીર સલીમ પઠાણને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા બેરોજગાર યુવાનોને ગેરકાયદે પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે ચેતવણીરૂપ છે.

  • Follow us on: