સોશિયલ મીડિયા પર પોતાના વિવાદિત નિવેદનો અને વર્તનને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. ભાવનગરના વેપારી દ્વારા નોંધાવવામાં આવેલી ગંભીર ફરિયાદના આધારે સુરતની પુણા પોલીસની ટીમે દરોડો પાડીને કીર્તિ પટેલની સુરેન્દ્રનગર ખાતેથી અટકાયત કરી છે.

શું છે સમગ્ર મામલો?

ભાવનગરના વેપારી રાજુ ભમ્મર દ્વારા સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર ગુનાહિત કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ બંને મહિલાઓએ સોશિયલ મીડિયા પર ફરિયાદી અને તેમના પરિવાર વિરૂદ્ધ અશોભનીય ટિપ્પણીઓ કરી હતી અને પોસ્ટ મૂકીને પરિવારની ભારે બદનક્ષી કરી હતી. આ ઉપરાંત ફોન અને મેસેજ મારફતે વેપારીને ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગરથી થઈ અટકાયત

પુણા પોલીસ મથકમાં ગુનો દાખલ થયા બાદ પોલીસની ટીમે સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. કીર્તિ પટેલ સુરેન્દ્રનગર ખાતે હોવાની માહિતી મળતાં જ પુણા પોલીસની ખાસ ટીમે ત્યાં પહોંચીને તેની અટકાયત કરી લીધી હતી. કીર્તિ પટેલને સુરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં સામેલ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે પણ પોલીસે આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી તેજ કરી છે. 


આ પણ વાંચો  :   Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?