સુરત શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ અને સપ્લાય રોકવા માટે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમોએ ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની ચોક્કસ માહિતીના આધારે MD ડ્રગ્સ સપ્લાય કરનારા મુખ્ય સપ્લાયર સહિત કુલ ત્રણ પેડલરોને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે.

અમાન અંસારીની પૂછપરછ બાદ 'બાબુ' સહિત ત્રણ દબોચાયા

અગાઉ 17 નવેમ્બર 2026ના રોજ રૂ. 16,680ની કિંમતના 5.56 ગ્રામ MD ડ્રગ્સ સાથે અમાન અંસારી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. તેની સઘન પૂછપરછ દરમિયાન ડ્રગ્સના સપ્લાયર તરીકે 'બાબુ'નું નામ ખૂલ્યું હતું. આ કડીના આધારે પોલીસે તપાસનો દોર આગળ વધારી સોહેલ ઉર્ફે બંટી ઉર્ફે બાબુ શેખ, મોહંમદ અલ્તમસ શેખ અને અલ્ફાઝ ઉર્ફે ભુરીયો ગુંદાલીયાને દબોચી લીધા હતા.

ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી સામે NDPS હેઠળ ગુનો

પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી અલ્ફાઝ ઉર્ફે ભુરીયો ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે, જે અગાઉ પણ NDPS એક્ટ અને મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે. હાલ મહિધરપુરા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(સી), 22(બી) અને 29 હેઠળ ગુનો દાખલ કરીને ડ્રગ્સ નેટવર્કના અન્ય મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો