સુરતનું મહીધરપુરા અને વરાછા વિસ્તાર સોના-ચાંદીના કિંમતી દાગીના અને હીરાના કારખાનાઓ માટે વિશ્વભરમાં જાણીતું છે. આ હાઈ-સિક્યોરિટી અને સીસીટીવીથી સજ્જ બજારમાં ચોરી થવી એ બહુ મોટી વાત ગણાય છે. ભવાનીવડ મેઇન રોડ પર આવેલા 'સાંધા જ્વેલ્સ' નામના કારખાનામાં રોજની જેમ સોના-હીરાના દાગીના બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે ત્યાં કામ કરતા એક બંગાળી કારીગરે મોકો જોઈને આખી દુકાન સાફ કરી દીધી હતી.
CCTVમાં કેદ થઈ કારીગરની ચોરી
કારખાનાના માલિકે જ્યારે કિંમતી મટિરિયલનો હિસાબ ચેક કર્યો ત્યારે સોના અને હીરાના જથ્થામાં મોટી ઘટ જોવા મળી હતી. આથી, માલિકે તાત્કાલિક ઓફિસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ફૂટેજ જોતા જ માલિકના હોશ ઉડી ગયા હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેમનો જ એક વિશ્વાસુ બંગાળી કારીગર ટેબલ પર પડેલું સોનું અને હીરા અત્યંત ચાલાકીપૂર્વક માત્ર 30 સેકન્ડની અંદર ગજવામાં મૂકીને ત્યાંથી સરકી જાય છે. તે એટલી પ્રોફેશનલ ઝડપથી ચોરી કરે છે કે બાજુમાં બેઠેલા અન્ય કર્મચારીઓને પણ ગંધ આવી નહોતી.










