સુરત પોલીસ કમિશનર વિસ્તારમાં નશાનો વેપલો કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગૃહમંત્રી દ્વારા પોલીસ સ્ટેશન લેવલે પણ નશીલા પદાર્થના નાના-નાના કેસ કરીને કાર્યવાહી કરવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી. સુરત પોલીસે સૌપ્રથમ આ સૂચનાનું પાલન કરીને કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, કાપોદ્રા પોલીસે એક ઓવરબ્રિજ નીચે સંતાડેલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.


રાંદેરમાં બ્રિજના પિલરમાં સંતાડેલો ગાંજો મળ્યો

કાપોદ્રા વિસ્તારમાં આવેલો ઓવરબ્રિજ નીચે પોલીસને બાતમી મળી હતી કે બ્રિજ નીચે પિલરની અંદરના ભાગમાં ગાંજાનું વેચાણ થાય છે. કાપોદ્રાના PI સહિતની ટીમે ઓવરબ્રિજના પિલર પર તપાસ કરતા તેમાંથી 183 ગ્રામ વજનનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.ગાંજો ભરવા માટે વપરાતી ખાલી પ્લાસ્ટિકની નાની ઝીપબેગ (નાની પડીકીઓ) નંગ-42 અને રોકડા રૂપિયા 570 પણ મળી આવ્યા હતા. પોલીસથી બચવા માટે પેડલરો ગાંજાનો જથ્થો બ્રિજના પિલરમાં સંતાડી રાખતા હતા અને નાની નાની પડીકીઓ બનાવીને છૂટક વેચાણ કરતા હતા.

સુરતમાં નશાનો વેપલો કરનાર સામે કાર્યવાહી

પોલીસે સ્થળ પરથી દીપક ઉર્ફે સુખો અનિલભાઈ સોનવણે નામના એક પેડલરની ધરપકડ કરી છે. આરોપી દીપક ઉર્ફે સુખો અજાણ્યા ઈસમ પાસેથી છૂટક ગાંજાનો જથ્થો લાવીને વેચાણ કરતો હતો. કાપોદ્રા પોલીસે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગૃહમંત્રીના આદેશ બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સઘન કાર્યવાહી સૂચવે છે કે સુરતમાં નશાના વેપલાને ડામવા માટે નાના સ્તરે પણ પોલીસ સક્રિય થઈ ગઈ છે.

  • Follow us on: