સુરતમાં હાઈ-પ્રોફાઇલ સેલિબ્રિટી નાઈટ્સ અને લાઈવ કોન્સર્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી મુંબઈની એક ટોળકી સક્રિય થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં 'શુભારંભ એન્ટરટેઈનમેન્ટ' નામની પેઢી ચલાવતા અભિષેક બોરડા નામના યુવક સાથે મુંબઈના અંધેરીમાં રહેતા અનિંદા નેતાઇ સીલ નામના શખ્સે સંપર્ક કર્યો હતો. અનિંદાએ પોતાની ઓળખ મુંબઈની જાણીતી 'એન્ટરટેઈનમેન્ટ કન્સલ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ' કંપનીના ડાયરેક્ટર તરીકે આપી હતી અને દાવો કર્યો હતો કે બોલિવૂડના તમામ મોટા કલાકારો સાથે તેના ડાયરેક્ટ બિઝનેસ સંબંધો છે.


અરિજિત સિંહના નામે એડવાન્સ લીધું, પછી શો કેન્સલ કર્યો

આરોપી અનિંદા સીલે સુરતના ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને સુરતમાં ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા સિંગર અરિજિત સિંહનો લાઈવ શો ઓર્ગેનાઇઝ કરી આપવાની લાલચ આપી હતી. આ લાઈવ શો ફાઇનલ કરવા માટે તેણે ટોકન પેટે 11 લાખ પડાવી લીધા હતા. થોડા દિવસો પછી કોઈ અકળ કારણોસર અરિજિત સિંહનો શો કેન્સલ થયો હોવાનું કહી, પૈસા પરત આપવાના બદલે ફરિયાદીને ડાન્સિંગ સેન્સેશન નોરા ફતેહી અને કોમેડિયન કિંગ કપિલ શર્માનો જોઈન્ટ શો કરાવી આપવાની નવી લાલચ આપી હતી.

ચેક બાઉન્સ થતાં કરોડોનું કૌભાંડ ખુલ્લું પડ્યું

નવા શોના બહાને આરોપીએ કલાકારોની ફી, ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ, બિઝનેસ ક્લાસ ટિકિટ અને ફાઇવ સ્ટાર હોટલ બુકિંગના નામે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 1.43 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. મહિનાઓ વીતી જવા છતાં જ્યારે સુરતમાં કોઈ પણ કલાકારનો લાઈવ શો યોજાયો નહીં, ત્યારે ફરિયાદી અભિષેક બોરડાને છેતરપિંડીનો અહેસાસ થયો હતો અને તેમણે પોતાના પૈસા પાછા માંગ્યા હતા. આરોપીએ કાયદાકીય પકડમાંથી બચવા અને વિશ્વાસ કેળવવા સિક્યોરિટી પેટે ચેક આપ્યા હતા. જોકે, બેંક ખાતામાં નાણાં ન હોવાથી માત્ર 1.15 લાખ જ પરત મળ્યા હતા અને બાકીના 1.41 કરોડના તમામ ચેક બાઉન્સ થઈ ગયા હતા.

કોન્સર્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી

ઉત્રાણ પોલીસે આ મામલે કડક કલમો હેઠળ ગુનો નોંધી, મુંબઈમાં સર્ચ ઓપરેશન ચલાવી આરોપી અનિંદા સીલને દબોચી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીની મુંબઈની કંપની પહેલાથી જ વિવાદિત છે અને ત્યાં કોઈ જ બિઝનેસ એક્ટિવિટી થતી નથી. પોલીસ હવે આ કેસમાં અન્ય કોઈ લોકલ એજન્ટો સામેલ છે કે કેમ તે દિશામાં રિમાન્ડ મેળવી પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો: Mehsana: બેફામ ટ્રક ચાલકે 2 કારને 30 ફૂટ ઢસડી, અકસ્માતમાં બાઇક સવાર અને ટ્રક ચાલક ઘાયલ

  • Follow us on: