શહેરના અલથાણ વિસ્તારમાં દારૂની પાર્ટીના મામલામાં નવો અને મહત્વનો ખુલાસો થયો છે. અગાઉ પોલીસને ખોટું નિવેદન આપનાર સમીર શાહની પત્ની હેતલ શાહે હવે સત્ય કબૂલ્યું છે, જેના પગલે સમીર શાહ સામે 'ડ્રિંક એન્ડ ડ્રાઇવ'નો કેસ નોંધાશે.


અલથાણ દારુ પાર્ટી કેસમાં ખુલાસો

ગત 10 નવેમ્બરના રોજ અલથાણ પોલીસે સમીર શાહ અને તેમની પત્ની હેતલ શાહ વિરુદ્ધ દારૂ પીધાનો ગુનો નોંધ્યો હતો. તે સમયે બંનેએ દારૂની પરમિટ બતાવી હતી અને ઘરે દારૂ પીધા બાદ ટેક્સી કરીને રેસ્ટોરન્ટ પહોંચ્યા હોવાનું ખોટું નિવેદન આપ્યું હતું.

પત્નીએ જ આપ્યું સત્ય નિવેદન

જોકે, પોલીસે ફરીથી ગત રોજ હેતલ શાહની ઉલટ તપાસ કરી હતી, જેમાં તેમણે પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું. હેતલ શાહે કબૂલ્યું કે  સમીર શાહ, હેતલ શાહ અને તેમનો કૂક (મિત્ર) એક મિત્રની કાર લઈને ઘરેથી કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટમાં પાર્ટી માટે ગયા હતા. કાર સમીર શાહ જ ઘરેથી ડ્રાઇવ કરીને રેસ્ટોરન્ટ સુધી લઈ ગયા હતા.

પરમિટના નિયમનો ભંગ

પરમિટના નિયમો અનુસાર, ગુજરાતમાં પરમિટ ધારક વ્યક્તિ ઘરે દારૂ પીધા પછી સેલ્ફ ડ્રાઇવ (પોતે વાહન ચલાવીને) મુસાફરી કરી શકતો નથી. સમીર શાહ દારૂ પીધા પછી ડ્રાઇવિંગ કરતા હોવાનું સાબિત થતાં હવે તેમની સામે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ થશે. અલથાણ પોલીસે આ કેસની સઘન તપાસ શરૂ કરી છે. પોલીસે હવે રેસ્ટોરન્ટના પાર્કિંગ સ્ટાફના માણસોના નિવેદન લેવાનું શરૂ કર્યું છે. ઘટનાસ્થળના અને રસ્તા પરના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકઠા કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: