મહારાષ્ટ્રના એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) સહિત અન્ય આરોપીઓ દ્વારા એક બેંક કર્મચારી પાસેથી ખંડણી પડાવવાના બહુચર્ચિત કેસમાં સુરતની પાલ પોલીસને મોટી સફળતા મળી છે. પાલ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા વધુ બે આરોપીઓને મુંબઈ અને પુણે ખાતેથી ઝડપી પાડ્યા છે. આ ખંડણી કેસમાં અગાઉ પાલ પોલીસે મુખ્ય આરોપી PSI રણજીત કાસલેની ધરપકડ કરી હતી. PSI રણજીત કાસલે અને અન્ય પાંચ લોકોએ મળીને આ ખંડણીના ગુનાને અંજામ આપ્યો હતો.
બેંક કર્મચારી પાસેથી ₹2.26 લાખ પડાવ્યા
ગુનાની વિગત એવી છે કે, આરોપીઓએ ફરિયાદી મહિલા બેંક કર્મચારીને હેરાન કરી હતી. તેમને ખોટી રીતે ધમકાવવામાં આવ્યા હતા કે તેમના પર લોન સંબંધિત કેસ છે. આ મામલે વાત કરવાના બહાને મહિલા કર્મચારીને પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી 'ટી પોસ્ટ' નામની એક શોપ પર બોલાવવામાં આવી હતી. ત્યાં, આરોપી PSI રણજીત કાસલેએ પોતે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો પોલીસ સબ-ઇન્સ્પેક્ટર હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે મહિલા કર્મચારીને ખોટી રીતે ધાકધમકી આપીને ડરાવી હતી અને અંતે તેમની પાસેથી ₹2.26 લાખ રૂપિયાની રકમ પડાવી લીધી હતી.










