શહેરમાં લોભામણી લાલચ આપી ઠગાઈ કરવાના એક મોટા કિસ્સામાં, સાયબર ક્રાઇમ સેલ પોલીસે મોટી સફળતા મેળવી છે. કોઈન અને ટોકનમાં રોકાણ કરાવી પાલના એક યુવક પાસેથી લાખો રૂપિયા પડાવનાર ટોળકીની ત્રિપુટીને પોલીસે ઝડપી પાડી છે. સાયબર ક્રાઇમ સેલ પોલીસે આપેલી માહિતી મુજબ, આ આરોપીઓએ ઠગાઈનો ભોગ બનેલા પાલના યુવકને વિશ્વાસમાં લેવા માટે એક ચોક્કસ રીત અપનાવી હતી. તેમણે યુવકને અલગ-અલગ ફંક્શનોમાં બોલાવ્યો હતો અને રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાતો દરમિયાન, આરોપીઓએ ફરિયાદી સાથે ક્રિપ્ટો કરન્સી કોઈન (Crypto Currency Coin) માં ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાતો કરી હતી.
સુરતમાં લોભામણી લાલચ આપી ઠગાઈ
આ ટોળકીએ યુવકને વિશ્વાસ અપાવ્યો હતો કે, જો તે રોકાણ કરશે તો એક વર્ષમાં રોકાણના 3 થી 4ગણા રૂપિયા થઈ જશે. આ પ્રકારની લોભાવણી લાલચો આપીને યુવકને રોકાણ કરવા માટે પ્રેરિત કર્યો હતો. આરોપીઓ પર વિશ્વાસ બેસી જતાં ફરિયાદી યુવકે ટુકડે ટુકડે કુલ 56.26 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે, સમય વીતવા છતાં જ્યારે પૈસા ડબલ ન થયા અને યુવકે પોતાના રોકાણ કરેલા પૈસા પરત માંગ્યા, ત્યારે આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા.










