સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતની ઘટના બાદ સિવિલ તંત્ર રેગિંગ મામલે અત્યંત એલર્ટ મોડ પર છે, ત્યાં વધુ એક રેગિંગની ફરિયાદ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલના સર્જરી વિભાગમાંથી ડીન ઓફિસે એક નનામી અરજી દ્વારા ગંભીર ફરિયાદો કરવામાં આવી છે. આ અરજીમાં લખવામાં આવ્યું છે કે "વિભાગમાં કામનો બોજ વધુ રહે છે, રજા આપવામાં આવતી નથી, અભ્યાસમાં તકલીફ પડી રહી છે અને સિનિયર ડોક્ટરો દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવે છે."
ડીનની અધ્યક્ષતામાં તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીની મોડી રાત સુધી બેઠક
ગત 27 ઓગસ્ટની સાંજે ડીન ઓફિસે આ નનામી પત્ર મળતાં જ સિવિલ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સૌપ્રથમ સર્જરી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ તુરંત જ એન્ટી રેગિંગ કમિટીની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. અરજીમાં કરાયેલા આક્ષેપો અંગે મોડી રાત સુધી કમિટીના સભ્યો દ્વારા ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા અને તપાસ હાથ ધરવામાં આવી હતી.

