સુરત શહેરમાં ક્રાઈમની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. રાંદેરના એક બિલ્ડર પાસેથી મોડી રાત્રે જહાંગીરપુરા વિસ્તારમાં ચપ્પુની અણીએ લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. આ લૂંટમાં શહેરના કુખ્યાત ઈસમોના નામ ખુલતાં પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોડી રાત્રે લૂંટની ઘટના
બનાવની વિગત અનુસાર રાંદેર વિસ્તારમાં રહેતા એક બિલ્ડર પાસેથી જહાંગીરપુરા વિસ્તારમાં મોડી રાત્રે લૂંટની ઘટના બની હતી. બિલ્ડર પાસેથી રોકડ રકમ જોઈને લૂંટારૂઓએ તેમનો પીછો કર્યો હતો. લૂંટારૂ ટોળકીએ બિલ્ડરને રોકીને ચપ્પુ બતાવીને ધમકાવ્યા હતા અને તેમની પાસેથી રૂપિયા 9,56,000 (નવ લાખ છપ્પન હજાર)ની જંગી રકમની લૂંટ ચલાવી હતી.
કુખ્યાત ઇસમોની સંડોવણી
આ લૂંટની ઘટનામાં નામચીન ગુનેગારોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડરે આ મામલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં મુખ્યત્વે ત્રણ આરોપીઓના નામ આપ્યા છે. ઇમ્તિયાઝ ઉર્ફે સદામ ઇકબાલ બચાવ (કુખ્યાત), ફૈઝલ બચાવ, અન્ય એક અજાણ્યો ઇસમ.ફરિયાદ મુજબ, આ ઈસમોએ ચપ્પુ બતાવીને અને જાનથી મારી નાંખવાની ધમકી આપીને લૂંટને અંજામ આપ્યો હતો.
પોલીસે તપાસ શરૂ કરી
બિલ્ડરે નોંધાવેલી ફરિયાદના આધારે જહાંગીરપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે લૂંટ કરનારા કુખ્યાત આરોપીઓ ઇમ્તિયાઝ ઉર્ફે સદામ ઇકબાલ બચાવ, ફૈઝલ બચાવ સહિતના તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે અને વિવિધ ટીમો બનાવીને તેમના છૂપાવાના સ્થળો પર દરોડા પાડવાની કામગીરી શરૂ કરી છે.