સુરત જિલ્લામાં યુવાધનને બરબાદ કરતા નશાના કારોબાર સામે સુરત ગ્રામ્ય પોલીસે હવે અત્યંત આક્રમક રણનીતિ અપનાવી છે. ડ્રગ્સના નેટવર્કને મૂળમાંથી તોડી પાડવા માટે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી સઘન કામગીરીના ભાગરૂપે, જિલ્લા પોલીસની અલગ-અલગ ટીમોએ માત્ર એક જ દિવસમાં NDPS એક્ટ હેઠળ 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધીને મોટો સપાટો બોલાવ્યો છે.
પોલીસની સંયુક્ત ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડા
આ સફળ કામગીરી પાર પાડવા માટે સુરત ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને એન્ટી નાર્કોટિક્સ વિંગ સહિતની વિશિષ્ટ પોલીસ ટીમો મેદાનમાં ઉતરી હતી. પોલીસના સચોટ આયોજન, ટીમવર્ક અને સંકલનના પરિણામે પાલોદ, કોસંબા, કામરેજ, કડોદરા, બારડોલી અને પલસાણા સહિતના મહત્વપૂર્ણ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

