સુરત શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સુરત SOG પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સલાબતપુરાના માનદરવાજા વિસ્તારમાં આવેલા બે મેડિકલ સ્ટોર પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન મેડિકલ સંચાલકોની ગેરરીતિઓ સામે આવતા ભારે હડકંપ મચી ગયો છે.
ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર થતું હતું વેચાણ
પોલીસ અને આરોગ્ય વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે, આ મેડિકલ સ્ટોર્સ પરથી નિયમો વિરુદ્ધ જઈને કોઈપણ પ્રકારના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ નશાકારક દવાઓ અને પ્રતિબંધિત સીરપનું ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહ્યું હતું. યુવાધનને બરબાદ કરતી આ નશાકારક સામગ્રીનું ધૂમ વેચાણ થતું હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

