સુરત શહેરને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન અંતર્ગત સુરત પોલીસ કમિશનરની કડક સૂચના બાદ SOGની ટીમ સતત સક્રિય છે. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અડાજણ વિસ્તારમાં પ્રતિબંધિત મોંઘા ડ્રગ્સ અને વિદેશી ગાંજાની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે SOGના પી.આઈ. અને તેમની ટીમે અડાજણના ચોક્કસ લોકેશન પર વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા રવિ મારવણીયા નામના યુવકની તલાશી લેતા તેની પાસેથી લાખો રૂપિયાનો વિદેશી હાઇબ્રીડ ગાંજો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
રત્નકલાકારની આડમાં ચાલતું હતું ડ્રગ્સનું નેટવર્ક
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, પકડાયેલો આરોપી રવિ મારવણીયા મૂળ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો રત્નકલાકાર છે. હીરાના વ્યવસાયની આડમાં તે રાતોરાત અમીર બની જવાના ચક્કરમાં કેફી પદાર્થોના વેપાર તરફ વળ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. પોલીસે તેની પાસેથી જે ગાંજો જપ્ત કર્યો છે, તેનું વજન અને આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 17.39 લાખ આંકવામાં આવી છે. આ ગાંજો સામાન્ય ભારતીય ગાંજો નથી, પરંતુ લેબોરેટરીમાં ખાસ ટેકનિકથી ઉગાડવામાં આવતો હાઇબ્રીડ ગાંજો છે, જે સામાન્ય રીતે અમેરિકા, થાઈલેન્ડ કે યુરોપિયન દેશોમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં સ્મગલ કરવામાં આવે છે. આ નશાની કિંમત સામાન્ય ગાંજા કરતા દસ ગણી વધારે હોય છે અને તે મેટ્રો સિટીઝના હાઇ પ્રોફાઇલ કલ્ચરમાં સપ્લાય થતો હોય છે.










