સુરત શહેરમાં પોતાની આઠ વર્ષીય પુત્રી અને પોતાના માટે કેમ જમવાનું નહિ બનાવ્યું તેમ કહી વૃદ્ધ માતા-પિતા સાથે ઝઘડો કરી પુત્રએ માતાની હત્યા કરી નાંખ્યાની ઘટના ઉધના વિસ્તારમાંથી પ્રકાશમાં આવી હતી. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ઉધના હેડગેવાર સર્કલ પાસે વાત્સલ્ય એવન્યુમાં રહેતા હર્ષદ મણીલાલ શાહ પગે અપંગ હોવાને કારણે ઘર પાસે જ ફૂટપાથ પર પાનનો ગલ્લો ચલાવી પત્ની પ્રતિક્ષાબેન, પુત્ર મેહુલ અને 08 વર્ષીય પૌત્રી હિયાનું ગુજરાન ચલાવે છે.


ફ્રીજમાંથી સામાન બહાર ફેંકવો શરૂ કર્યો

પુત્ર મેહુલે 2014માં કાશીનગરની યુવતી સાથે લગ્ન કર્યા હતા.પરંતુ મેહુલની નશાની કુટેવ અને મારઝૂડને કારણે ત્રણ વર્ષ બાદ પત્ની નિરાલીએ છૂટાછેડા લઇ લીધા હતા.પત્નીના ગયા બાદ મેહુલ વધુ રવાડે ચઢ્યો હતો.કોઈ કામધંધો નહિ કરતો હોવાને કારણે ઘરમાં હંમેશાં કંકાશ રહેતો હતો.રવિવારે રાત્રે આ ઝઘડો ખૂની હુમલામાં પરિણમ્યો હતો.મેહુલ રાત્રે અગિયાર વાગ્યે ઘરે આવ્યો ત્યારે ઘરમાં જમવાનું કશું જ બનાવવામાં આવ્યું નહિ હોવાનું જાણી રોષે ભરાયો હતો.માતાએ પોતાની તબિયત નાદુરસ્ત હોઈ જમવાનું નહિ બનાવ્યું હોવાનું જણાવ્યું હતું.પોતાની અને પોતાની આઠ વર્ષીય પુત્રી માટે જમવાનું કેમ નહિ બનાવ્યું તેમ કહી મેહુલે હંગામો શરૂ કર્યો હતો અને ફ્રીજમાંથી સામાન બહાર ફેંકવો શરૂ કર્યો હતો.

પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી

હર્ષદભાઈએ તેને અટકાવવાની કોશિશ કરતાં મેહુલ તેમની પર તૂટી પડયો હતો અને ગળું દબાવતો હોઈ પ્રતિક્ષાબેન છોડાવવા વચ્ચે પડ્યા હતા. હિંસક બનેલા પુત્રએ પિતાનું ગળું દબાવી દેતાં તેઓ ગૂંગળાવા લાગ્યા હતા. પતિને બચાવવા માટે પ્રતિક્ષાબેન દોડી આવ્યા હતા, પરંતુ ભાન ભૂલેલા પુત્રએ તેમને ધક્કો મારી દેતાં તેઓ પછડાઈને નીચે પડ્યા હતા. ઈજા છતાં મરણીયો પ્રયાસ કરી ફરી ઊભા થઈ પતિને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ ફરીથી મેહુલે ધક્કો મારતાં તેઓ ત્યાં પછડાઈને ત્યાં જ મૂર્છિત થઇ ગયા અને ગણતરીની ક્ષણોમાં પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. રાઠોડ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને માતાની હત્યા બદલ ગુનો નોંધી પુત્રની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ Dahod News: આભલોડ ગામમાં લગ્ન પ્રસંગના જમણવાર બાદ 400 લોકોને ખોરાકી ઝેરની અસર



  • Follow us on: