સુરત શહેરમાં સાયબર ગુનેગારો દ્વારા નાગરિકોને ભય બતાવી લૂંટવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના ફૂલપાડા વિસ્તારમાં રહેતા એક દંપતીને સાયબર માફિયાઓએ મની લોન્ડરિંગના બોગસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સળંગ 6 દિવસ સુધી ઘરની અંદર જ 'ડિજિટલ અરેસ્ટ' કરી રાખ્યા હતા. આ દરમિયાન સાયબર ઠગોએ દંપતી પાસેથી તબક્કાવાર રીતે રૂ.13 લાખ જેવી મસમોટી રકમ પડાવી લીધી હતી. સાયબર ક્રાઇમ આચરતી ટોળકીએ દંપતીનો માનસિક અને ડિજિટલ બંધક બનાવીને આ મોટું કૌભાંડ આચર્યું હતું.
ચાલુ ફોને કતારગામ પોલીસ મથકે પહોંચી જતાં પોલ ખુલી
ઘટનાની વિગતો અનુસાર, રૂ.13 લાખ વસૂલ કર્યા બાદ પણ સાયબર ઠગો ધરાયા ન હતા અને તેમણે દંપતી પાસે વધુ 24 ટકા રકમની માગણી કરી હતી. આ સતત થઈ રહેલી માગણી અને ધમકીઓથી શંકા જતાં દંપતીએ હિંમત દર્શાવી હતી અને સાયબર ઠગો સાથેનો ફોન કૉલ ચાલુ રાખીને જ સીધા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા. પોલીસ મથકમાં ફરજ પરના અધિકારીઓ સમક્ષ આપવીતી જણાવતાં જ પોલીસે સાયબર ઠગ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલ ખુલ્લી પડી જતાં સાયબર માફિયાઓ તુરંત ફોન કાપીને સંપર્ક વિહોણા થઈ ગયા હતા.
