સુરત શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સ્થાનિક 'શિક્ષા ટીવી' ચેનલના માલિક જતીન મોરડીયા, તેમની પ્રેમિકા ક્રિષ્ના અને નણંદ અંકિતા વિરુદ્ધ લસકાણા પોલીસ મથકમાં ગંભીર ગુનો નોંધાયો છે. પીડિત પરિણીતા વિરલબેને પોતાના પતિ, તેમની પ્રેમિકા અને નણંદ સામે માનસિક-શારીરિક ત્રાસ આપવા તેમજ પત્ની અને 5 વર્ષની માસૂમ દીકરીને ઝેર આપી મારી નાખવાની ધમકી આપ્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

આડા સંબંધનો વિરોધ કરતાં પરિણીતાને મળી ઝેર આપવાની ધમકી

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્નજીવન દરમિયાન પતિ જતીન મોરડીયાને ક્રિષ્ના નામની યુવતી સાથે અકબંધ આડા સંબંધો હોવાની જાણ થતાં ઘરમાં ભારે કંકાસ શરૂ થયો હતો. જ્યારે પત્ની વિરલબેને આ આડા સંબંધોનો વિરોધ કર્યો, ત્યારે પતિએ ઉશ્કેરાઈને ધમકી આપી હતી કે "જો તું અમારા પ્રેમ વચ્ચે આવીશ તો તને અને દીકરીને ઝેર આપીને પતાવી દઈશ". આ સિવાય પ્રેમિકા ક્રિષ્ના અને નણંદ અંકિતા પણ અવારનવાર ફોન પર મેણાં-ટોણાં મારીને પરિણીતાને સતત માનસિક યાતનાઓ આપતા હતા.

પીડિતા 2 વર્ષથી પિતાના ઘરે, લસકાણા પોલીસે BNS હેઠળ ગુનો નોંધ્યો

પતિએ ખુલ્લેઆમ પ્રેમિકા સાથે જ રહેવાની આડાઈ અને જીદ પકડતાં, પીડિત પરિણીતા છેલ્લા બે વર્ષથી પોતાની 5 વર્ષની માસૂમ દીકરી સાથે પિતાના ઘરે આશરો લઈ રહી હતી. આખરે ત્રાસથી તંગ આવીને પરિણીતાએ લસકાણા પોલીસ સ્ટેશનના દ્વાર ખટખટાવ્યા હતા. લસકાણા પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી જતીન મોરડીયા, પ્રેમિકા ક્રિષ્ના અને નણંદ અંકિતા વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Ahmedabadમાં 'ખાડા રાજ'થી પ્રજા ત્રાહિમામ, રોડ રિ-સરફેસિંગના કરોડો રૂપિયા પાણીમાં ગયા!