સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં વિશ્વાસઘાત અને ઠગાઈનો એક ગંભીર મામલો સામે આવ્યો છે, જ્યાં લગ્નના પ્રસંગ માટે સોનાના દાગીના બનાવી આપવાના બહાને એક પરિવાર સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. મોટા વરાછા ખાતે ધમધમતી ‘જય આદ્યાશક્તિ જ્વેલર્સ’ના સંચાલકો દ્વારા એક યુવક પાસેથી લગ્નના દાગીના તૈયાર કરવાના હેતુસર ટુકડે-ટુકડે કુલ રૂપિયા 17,14,000 જેટલી માતબર રકમ લેવામાં આવી હતી. જોકે, નક્કી કરવામાં આવેલી મુદત વીતી જવા છતાં જ્વેલર્સના સંચાલકો દ્વારા ન તો સોનાના દાગીના બનાવી આપવામાં આવ્યા કે ન તો ગ્રાહકના નાણાં પરત કરવામાં આવ્યા હતા.
દાગીના અને પૈસા આપવા માટે આનાકાની કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
જ્યારે પીડિત યુવકે પોતાના દાગીના અને રોકડ રકમની માંગણી કરી ત્યારે જ્વેલર્સના સંચાલકો દ્વારા સતત ટલ્લાઓ મારવામાં આવતા હતા અને અલગ-અલગ બહાના આગળ ધરીને રકમ કે દાગીના આપવા માટે ભારે આનાકાની કરવામાં આવતી હતી. લાંબી રસાકસી અને વાયદાઓ છતાં કોઈ સંતોષકારક જવાબ કે હકીકત સામે ન આવતાં આખરે આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. ગ્રાહક સાથે થયેલી આ પ્રકારની લાખો રૂપિયાની ઠગાઈને કારણે સ્થાનિક વેપારી આલમમાં પણ ભારે ચકચાર મચી ગઈ છે.
