સુરતના વ્યાપારી હબ ગણાતા લાલગેટ વિસ્તારમાં ગુનેગારો અને ઠગબાજોના હૌસલા કેટલા બુલંદ થઈ ગયા છે તેનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. લાલગેટના એક જાણીતા જારીના વેપારી સહિત કુલ 3 વ્યક્તિઓને ફોરેક્સ ટ્રેડિંગમાં રાતોરાત કરોડપતિ બની જવાની આભાસી લાલચ આપીને આશરે 1.18 કરોડ રૂપિયાની માતબર રકમ ખંખરી લેવામાં આવી છે. લોભ-લાલચમાં ફસાવીને આચરેલી આ જઘન્ય છેતરપિંડીએ વેપારી આખીમાં ફફડાટ ફેલાવી દીધો છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને ઓનલાઈન ટ્રેડિંગના નામે ચાલતી લૂંટફાટ સાબિત કરે છે કે સામાન્ય જનતા કેવી રીતે ચાલાક ઠગબાજોની જાળમાં ફસાઈ રહી છે.
વર્ષ 2022 થી શરૂ થયો લૂંટનો સિલસિલો
આ હીન કૃત્ય આચરનાર કૂણાલ, આદિત્ય અને પિનલ નામના ત્રણ ભેજાબાજ ઠગબાજોએ ખૂબ જ સુવ્યવસ્થિત કાવતરું રચ્યું હતું. વર્ષ 2022 થી જ આ ઠગ્સે ભોળા વેપારીઓને પોતાના શિકાર બનાવવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાનું ગાજર બતાવવામાં આવ્યું અને ત્યારબાદ અલગ-અલગ બહાના હેઠળ, ખાસ કરીને બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવાના નામે ટુકડે-ટુકડે કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા. લાંબો સમય વીતવા છતાં જ્યારે એક રૂપિયો પણ નફો ન મળ્યો અને પીડિતોએ પોતાની મૂડી પાછી માંગી, ત્યારે આ બદમાશોના અસલી ચહેરા ઉજાગર થયા.
