સુરતના ચોક બજાર વિસ્તારમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર જાણીતા બિલ્ડર ફૈસલ ઉર્ફે માંજરા ફટ્ટાનીની ઘાતકી હત્યાના કેસનો પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી લીધો છે. આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં હત્યા માટે લાખની સોપારી આપવામાં આવી હોવાનો ગંભીર ખુલાસો સામે આવ્યો છે. જોકે, હત્યાનું ચોક્કસ કારણ હજુ મુખ્ય આરોપીની ધરપકડ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

2 મોપેડ પર આવ્યા, પીછો કરી બ્રિજ પર આંતર્યા

પોલીસ તપાસ મુજબ 2 મોપેડ પર આવેલા 4 આરોપીઓએ ફૈસલ ફટ્ટાનીનો પીછો કર્યો હતો. ત્યારબાદ ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર તેમને આંતરીને ચપ્પુ વડે 19 ઘા ઝીંકી ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ચારેય આરોપીઓ મોપેડ પર રોંગ સાઇડથી પંડોળ તરફ ફરાર થઈ ગયા હતા. દિવસદહાડે થયેલા આ લોહીયાળ હુમલાથી સમગ્ર સુરતમાં ચકચાર મચી ગઈ હતી.

હત્યાના એક અઠવાડિયા પહેલાં થઈ હતી રેકી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યાના આશરે એક અઠવાડિયા પહેલાં મૃતકની રેકી કરવામાં આવી હતી. હત્યા માટે અગાઉથી આયોજન કરવામાં આવ્યું હોવાની આશંકા વધુ મજબૂત બની છે. આરોપીઓને એડવાન્સ પેટે 1 લાખ આપવામાં આવ્યા હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

4 આરોપીઓ ઝડપાયા

ચોક બજાર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત કાર્યવાહી કરીને અભિષેક ઉર્ફે રોહન ઉર્ફે ઘુંઘરૂં રાજેન્દ્ર દેવરે, કૈસરઅલી આબીદઅલી સૈયદ, વસીમ ઉર્ફે વસીયો મોઇન શેખ અને ગોકુલ સંતોષ જાદવને ઝડપી પાડ્યા છે. પકડાયેલા ચારેય આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

મુખ્ય આરોપી હજુ ફરાર

પોલીસના જણાવ્યા મુજબ હત્યા માટે સોપારી આપવાનો આરોપી મુબારક ઉર્ફે મુબો મજીદ પટેલ હાલમાં વોન્ટેડ છે. તેની ધરપકડ બાદ જ હત્યા પાછળનું સાચું કારણ બહાર આવી શકે છે.

નાણાકીય વ્યવહારોને લઈને હત્યાની સોપારી

પ્રાથમિક તપાસમાં મોટા નાણાકીય વ્યવહારોને લઈને હત્યાની સોપારી આપવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે તપાસનો દોર વધુ તેજ કરી રહી છે. 



આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ