સુરત ક્રાઈમ બ્રાન્ચે સચિન GIDC વિસ્તારમાં મોટું ઓપરેશન હાથ ધરી કુખ્યાત અને વોન્ટેડ આરોપી સામે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. બુડિયા ગામના નાકા પાસે પોલીસે 35થી વધુ ગંભીર અને હિંસક ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી જયેશ ઉર્ફે બારકુ પાટીલને ઝડપી પાડવા કાર્યવાહી કરી હતી. આ દરમિયાન આરોપીએ પોલીસથી ભાગી જવાની કોશિશ કરતાં તેના પગના ભાગે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ઘેરાબંધી વચ્ચે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો
મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચની ટીમે સચિન GIDC વિસ્તારમાં બુડિયા ગામના નાકા પાસે ઘેરાબંધી કરી હતી. ટીમ દ્વારા કુખ્યાત આરોપી બારકુ, પિતા યુવરાજ વાઘને ઝડપી પાડવા કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપીએ પોલીસથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો
આ દરમિયાન આરોપીએ પોલીસથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી છે. પોલીસે તેને રોકવા માટે ફાયરિંગ કરતાં આરોપીના પગના ભાગે ગોળી વાગી હતી.
ગોળી વાગતાં આરોપીને સિવિલ હોસ્પિટલ ખસેડાયો
ફાયરિંગની ઘટનામાં આરોપી ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. હાલ સમગ્ર ઓપરેશનને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
35થી વધુ ગંભીર ગુનાઓનો આરોપી, પોલીસની રડારમાં હતો
જયેશ ઉર્ફે બારકુ પાટીલ સામે 35થી વધુ ગંભીર અને હિંસક ગુનાઓમાં સંડોવણી હોવાની પોલીસ માહિતી સામે આવી છે. લાંબા સમયથી વોન્ટેડ રહેલા આ આરોપી સામે ક્રાઈમ બ્રાન્ચે ઘેરાબંધી કરીને કાર્યવાહી કરી હતી.
હિસ્ટ્રીશીટર સામે ફાયરિંગથી ગુનેગારોમાં ફફડાટ
કુખ્યાત હિસ્ટ્રીશીટર સામે પોલીસની આ કાર્યવાહી બાદ સુરતના ગુનાખોરીના વર્તુળમાં ફફડાટ ફેલાયો હોવાની ચર્ચા છે. હવે આરોપી સામેના અગાઉના ગુનાઓ અને હાલની ઘટનામાં તેની ભૂમિકા અંગે પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું