ડાયમંડનગરી સુરતમાં કરોડો રૂપિયાના વ્યવહારોના બાકી લેણાંને પગલે એક વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. સુરતના પુણા ગામ વિસ્તારની આ ઘટનામાં કરોડો રૂપિયાની લેતીદેતી મામલે એક વ્યક્તિએ ઝેરી દવા પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. વિક્રમનગર વિસ્તારમાં રહેતા રામપૂજન નામના વ્યક્તિએ ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની હાલ પોલીસ તપાસ કરી રહી છે.
શું છે આક્ષેપ?
મળતી પ્રાથમિક માહિતી મુજબ આપઘાત કરનાર રામપૂજનને ડાયમંડ મટીરિયલના વ્યવહારોમાં અંદાજે ₹1.11 કરોડ રૂપિયાના લેણાં નીકળે છે. પ્રવીણ ઠુંમ્મર અને મિતુલ બુધેલીયા નામના વ્યક્તિઓ પાસેથી રામપૂજનને કરોડો રૂપિયા લેવાના હતા જેને લઇને કોઇ વિવાદ ઉભો થતાં રામપૂજને આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. જો કે આપઘાતના પ્રયાસનું સાચું કારણ યોગ્ય પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
