સુરત શહેરમાં તહેવારો ટાણે નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા નકલી ઘીના મોટા ગોરખધંધાનો આરોગ્ય વિભાગ અને પોલીસે પર્દાફાશ કર્યો છે. ‘સાહસ પ્રીમિયમ’ બ્રાન્ડના નામે બનાવટી ઘી બનાવી બજારમાં વેચવાનું મોટું નેટવર્ક ઝડપાયું છે. તપાસ દરમિયાન લેબ રિપોર્ટમાં આ ઘી ડુપ્લીકેટ હોવાનું બહાર આવતાં તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વનસ્પતિ ઘી, સોયાબીન તેલ અને કેમિકલ એસેન્સનું મિશ્રણ

પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે સુરતમાં બાતમીના આધારે દરોડો પાડીને એક ગેરકાયદે ફેક્ટરી ઝડપી પાડી હતી. આ ફેક્ટરીમાં વનસ્પતિ ઘી, સોયાબીન તેલ અને કેમિકલ એસેન્સનું મિશ્રણ કરીને અસલ જેવું દેખાતું નકલી ગાયનું ઘી તૈયાર કરવામાં આવતું હતું. 

Surat Fake Ghee Racket Busted, 900 Kg Seized

900 કિલો જેટલું પેક્ડ નકલી ઘી ઝડપાયું

દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી આશરે 900 કિલો જેટલું પેક્ડ નકલી ઘી તેમજ અન્ય સામગ્રી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ નકલી ઘીને બજારમાં જાણીતી બ્રાન્ડ જેવું પેકિંગ આપીને ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા હતા.

Surat Fake Ghee Racket Busted, 900 Kg Seized

કારખાનું છેલ્લા 1 મહિનાથી લાયસન્સ વગર ધમધમતું હતું

તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ કારખાનું છેલ્લા 1 મહિનાથી કોઈપણ કાયદેસર મંજૂરી કે લાયસન્સ વગર ધમધમી રહ્યું હતું. તહેવારોની મોસમનો લાભ ઉઠાવીને આ ભેળસેળિયું અને ઝેરી ઘી બજારમાં માત્ર રૂ. 300 પ્રતિ કિલોના અત્યંત સસ્તા ભાવે વેચી સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવતાં હતાં. સામાન્ય રીતે શુદ્ધ ઘીના ભાવ ઘણા ઊંચા હોય છે, ત્યારે સસ્તા ભાવની લાલચ આપીને ભેળસેળયુક્ત જથ્થો પધરાવી દેવાતો હતો.

Surat Fake Ghee Racket Busted, 900 Kg Seized

બજારમાં રહેલા જથ્થાને પરત લાવવા કવાયત

આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગે સ્થળ પરથી પેક્ડ ઘીના વિવિધ સેમ્પલ લઈને તાત્કાલિક લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. લેબ ટેસ્ટમાં આ ઘી ડુપ્લીકેટ અને અખાદ્ય હોવાની પુષ્ટિ થતાં જ પોલીસે ફેક્ટરી સંચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ગેરકાયદે નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત બજારમાં પહોંચેલા નકલી જથ્થાને પણ તાકીદે પરત ખેંચવાની કવાયત હાથ ધરાઈ છે. 


આ પણ વાંચો  :   CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને કઇ શરતો હેઠળ મળ્યા જામીન ? કોર્ટને શું આપી બાંહેધરી ?