સુરતના સરથાણા પોલીસ મથકના પીએસઆઇએ નકલી ઓળખ ધારણ કરીને આરોપીને પોતાની જાળમાં ફસાવ્યા બાદ તેને ઝડપી પાડ્યો હતો.


મહિલા પીએસઆઇએ આરોપીને મીઠીમીઠી વાત કરી

સુરતના નીલગીરીનાં ડ્રાઈવરને મિત્રતાની દુહાઈ આપી તેના નામે સેકન્ડ હેન્ડ કાર ખરીદી બેન્કમાંથી 30 લાખની લોન લઈ તેના હપ્તા નહિ ભરી બારોબાર કારને પંજાબ વેચી રોકડી કરનાર ઠગને પકડવા સરથાણા પોલીસ મથકના મહિલા PSI નકલી પૂજા બન્યા હતા અને આરોપી સાથે ચેટિંગ કરી તેને વિશ્વાસમાં લઇને ઝડપી લીધો હતો. મહિલા પીએસઆઇએ આરોપીને એટલી હદે મીઠીમીઠી વાત કરી હતી કે, ઠગ લલચાઈને સામેથી મળવા માટે પહોંચી ગયો હતો.

સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ

આ બનાવમાં ગત 19મી જૂને નીલગીરીના શ્રીનાથ સોસાયટીમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતાં મૂકેશ જાધવે સરથાણા પોલીસ મથકે ગીરીશ મધુ હિદડ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી કે તે પાંચ વર્ષ પહેલાં યોગીચોકના યોગીકુંજ શોપિંગ સેન્ટરમાં સળીયાનો વેપાર કરતાં ગીરીશનાં સંપર્કમાં આવ્યો હતો.

ચાર હપ્તા ભરી કાર ખોટા ડોક્યુમેન્ટથી પંજાબનાં લુધિયાણામાં વેચી મારી

ગિરીશે મિત્ર હોવાનો ડોળ કરી પોતે ધંધાના કામે સેકન્ડ હેન્ડ ફોરચ્યુનર કાર લેવા માંગે છે, પરંતુ પોતાનો સીબીલ સ્કોર ખરાબ હોઈ તેના નામે કાર લેવા વિનંતી કરી હતી. આ યુવકના નામે 30 લાખની લોન લીધા બાદ માત્ર ચાર હપ્તા ભરી કાર ખોટા ડોક્યુમેન્ટથી પંજાબનાં લુધિયાણામાં વેચી મારી હતી. બેન્ક આ યુવકની પાછળ પડતાં તે પોલીસ મથકે પહોંચ્યો હતો.

 ગીરીશ પોલીસથી બચવા પોતાનો ફોન બંધ રાખતો

સમગ્ર મામલે સરથાણા પોલીસે તપાસ કરતા આરોપી ગીરીશ પોલીસથી બચવા પોતાનો ફોન બંધ રાખતો હોવાનું અને સાદા કોલને બદલે માત્ર વોટ્સએપ કોલથી જ વાત કે ચેટિંગ કરતો હોવાનું જાણમાં આવ્યું હતું.

મેરેજ બ્યુરોમાંથી નંબર મળ્યો

આ સમગ્ર કેસની તપાસ મહિલા પીએસઆઇ પાસે હતી અને તેમને જાણ થઈકે, આરોપીએ મેરેજ બ્યુરોમાં લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારબાદ મહિલા પીએસઆઇએ આરોપીના સંપર્કમાં આવી મેરેજ બ્યુરોમાંથી નંબર મળ્યો છે તેમ વાતચીત કરી મહિલા પીએસઆઇ પોતે પૂજા બની વોટ્સએપ ચેટિંગ શરૂ કર્યું હતું. તેની સાથે વાત પણ કરી હતી.

ઠગ પીએસઆઇને મળવા અધીરો બન્યો

પૂજા સાથે વાત કર્યા બાદ આ ઠગ પીએસઆઇને મળવા અધીરો બન્યો હતો અને વારંવાર મળવા વિનંતી કરતો હતો. અંતે આરોપીને વિશ્વાસમાં લીધો હતો અને ત્યારબાદ ધીરે ધીરે 10 થી 15 દિવસ સુધી વાતચીત કર્યા બાદ પણ આરોપીને ટ્રેસ કરવું મુશ્કેલ બન્યું હતું પરંતુ આરોપી વારંવાર મળવા વિનંતી કરતો હતો છેવટે પૂજાએ સંમતિ આપતાં પરવટ પાટિયા મળવાનું ફિક્સ કર્યું હતું.

ખાખી વર્દીમાં મહિલા સબ ઈન્સપેક્ટર અને કોન્સ્ટેબલનો ભેટો થયો

જો કે ગીરીશ ત્યાં પહોંચ્યો ત્યારે પૂજા નહિ પરંતુ ખાખી વર્દીમાં મહિલા સબ ઈન્સપેક્ટર અને કોન્સ્ટેબલનો ભેટો થતાં તેની હાલત કોઠીમાં પૂરાયેલાં ચોર જેવી થઈ હતી. પોલીસે ગીરીશને પકડતાં તેના કાવતરામાં સામેલ બીજા આરોપી કુલદીપ રમેશ સોલંકીની પણ પોલીસે ધરપકડ કરી હતી.

  • Follow us on: