મુંબઈથી દિલ્હી જતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાં એક વિદેશી નાગરિક દ્વારા મચાવવામાં આવેલા ભારે હોબાળા બાદ તેનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતા ખળભળાટ મચી ગયો છે. ટ્રેનમાં સવાર મુસાફરો માટે આ ઘટના કોઈ ખૌફનાક અનુભવથી ઓછી નહોતી.
વિદેશી શખ્સે ટ્રેનની અંદર મુસાફરો સાથે અચાનક મારામારી શરૂ કરી દીધી હતી
મળતી માહિતી મુજબ, આ અજાણ્યા વિદેશી શખ્સે ટ્રેનની અંદર મુસાફરો સાથે અચાનક મારામારી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, તેણે ટ્રેનમાં લગાવવામાં આવેલું ફાયર ઇન્સ્ટિંગ્યુશર તોડીને મુસાફરો પર સ્પ્રે કરવાનું શરૂ કર્યું, જેના કારણે ટ્રેનમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોઈને રેલવે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું.
પોલીસે જહેમત ઉઠાવી શખ્સને પકડ્યો હતો
સુરત સ્ટેશન આવતા જ 15 થી 20 જેટલા GRP અને RPF ના જવાનોએ ભારે જહેમત ઉઠાવી આ શખ્સને માંડ-માંડ કાબૂમાં કર્યો હતો અને તેને ટ્રેનમાંથી નીચે ઉતાર્યો હતો. જોકે, પોલીસ ચોકીમાં પૂછપરછ ચાલી રહી હતી ત્યારે જ આ શખ્સ અચાનક બેભાન થઈ ગયો હતો.
સારવારમાં મોત
પોલીસ તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ 45 વર્ષીય આ વિદેશી નાગરિકને મૃત જાહેર કર્યો હતો.
કોઈ પણ પ્રકારના ઓળખના દસ્તાવેજો કે પાસપોર્ટ મળી આવ્યા નથી
મૃતક પાસે કોઈ પણ પ્રકારના ઓળખના દસ્તાવેજો કે પાસપોર્ટ મળી આવ્યા નથી, જેના કારણે રેલવે પોલીસ માટે તેની ઓળખ કરવી એક પડકાર બની ગઈ છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ વિદેશી નાગરિકનું મોત હૃદયરોગના હુમલાથી થયું છે કે પછી અન્ય કોઈ કારણોસર, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. સમગ્ર ઘટનાએ સુરત રેલવે સ્ટેશન પર ભારે ચકચાર જગાવી છે.
આ પણ વાંચો : PM Modiના રાજ્યમાં પ્રભારી તરીકે મુકાયેલા તરુણ ચુગ કોણ છે ? કેમ સોંપાઇ ગુજરાતની મહત્વની જવાબદારી ?