સુરતના કાપોદ્રા વિસ્તારમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પતિના જ મિત્રના સતત ત્રાસ અને બ્લેકમેઈલિંગથી કંટાળીને આપઘાત કરનાર પરિણીતાના કેસમાં કાપોદ્રા પોલીસે મુખ્ય આરોપી રામ ગોહિલ ની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે.

નહાતી વખતે ફોટા પાડી શરૂ કર્યું હતું બ્લેકમેઈલિંગ

પોલીસ તપાસમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો મુજબ, આરોપી રામ ગોહિલ પરિણીતાના પતિનો મિત્ર હોવાથી તેનું ઘરે અવારનવાર આવન-જાવન હતું. આ દરમિયાન તેણે પરિણીતા જ્યારે સ્નાન કરી રહી હતી ત્યારે છુપી રીતે તેના અંગત ક્ષણોના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપીને તે પરિણીતાને ત્રાસ આપતો હતો.

ઢોરમાર મારી માનસિક રીતે તોડી નાખી

આરોપી માત્ર બ્લેકમેઈલિંગથી જ ન અટક્યો, પરંતુ તેણે પરિણીતા સાથે મારઝૂડ કરી, દીવાલ સાથે માથું ભટકાવીને અને લાફા મારીને ગંભીર શારીરિક યાતનાઓ પણ આપી હતી. આરોપીના આ સતત શારીરિક-માનસિક ત્રાસ અને બ્લેકમેઈલિંગના કારણે પરિણીતા ભારે ડિપ્રેશનમાં સરી પડી હતી. આખરે કોઈ માર્ગ ન દેખાતાં કંટાળેલી યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવી લીધું હતું.

પોલીસે આરોપી રામ ગોહિલને ઝડપી પાડ્યો

આ ઘટના બાદ કાપોદ્રા પોલીસે ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરતા આરોપી રામ ગોહિલને ઝડપી પાડ્યો છે અને તેની સામે આપઘાતની દુષ્પ્રેરણા અને બ્લેકમેઈલિંગ સહિતની કલમો હેઠળ વધુ તપાસ હાથ ધરી છે. 


  આ પણ વાંચો  :    Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?