સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવીને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના પૂર્વ આયોજિત કાવતરાનો પર્દાફાશ કર્યો છે. લાલગેટ પોલીસે ચોક ચાર રસ્તા પાસેથી નકલી ચલણી નોટોના રેકેટ સાથે સંકળાયેલા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે.

કલ્પેશ મૂળજીભાઈ રાઠોડને પોલીસે ઝડપ્યો 

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલ આરોપીની ઓળખ 40 વર્ષીય કલ્પેશ મૂળજીભાઈ રાઠોડ (હાલ રહે. ભેસાણ, સુરત / મૂળ રહે. ભાવનગર) તરીકે થઈ છે. લાલગેટ PI એચ.જે. સોલંકી અને સર્વેલન્સ PSI એસ.એ. અંસારીની ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ પાડીને આ આરોપીની ધરપકડ કરી હતી.

500 ના દરની કુલ 35 બનાવટી નોટો મળી

પોલીસે આરોપી પાસેથી 500 ના દરની કુલ 35 બનાવટી (નકલી) ચલણી નોટો, જેની કિંમત ₹17,500 થાય છે તે કબ્જે કરી છે. નકલી નોટો ઉપરાંત પોલીસે આરોપી પાસેથી 3 મોબાઈલ ફોન અને 2 લેપટોપ સહિત કુલ 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પૂર્વ પત્નીએ નોટો આપી હોવાનો ખુલાસો 

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ નકલી નોટો આપનાર અન્ય કોઈ નહીં પરંતુ આરોપીની પૂર્વ પત્ની હિનાબેન મોહનભાઈ વાઢેળ છે, જેને પોલીસે હાલ વોન્ટેડ જાહેર કરીને શોધખોળ હાથ ધરી છે. લાલગેટ પોલીસે આ મામલે BNS કલમ-178, 3(5) મુજબ ગુનો નોંધીને આગળની સઘન કાનૂની તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચો :  Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની