સુરત ક્રાઇમ બ્રાન્ચે 1 કિલો MD ડ્રગ્સ સાથે ઝડપી પાડેલી શાતિર માનસી સૈયદને લઈને ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. માનસી માત્ર ડ્રગ્સના કેસમાં ઝડપાયેલી આરોપી નહીં, પરંતુ મુંબઈના હાઈપ્રોફાઈલ અને એલાઈટ વર્ગ સુધી ડ્રગ્સ સપ્લાય કરતી હોવાનો ખુલાસો તપાસમાં સામે આવ્યો છે. વોટ્સએપ અને સોશિયલ મીડિયા મારફતે કોડ લેંગ્વેજમાં ડ્રગ્સની ડીલ કરતી માનસીનું જીવન પણ અનેક ચોંકાવનારા વળાંકોથી ભરેલું હોવાનું સામે આવ્યું છે.
અત્યાર સુધી 17 દેશોની મુલાકાત લઈ ચૂકી છે
તપાસમાં સામે આવેલી વિગતો મુજબ માનસી સૈયદ ફ્લુઅન્ટ અંગ્રેજી બોલે છે અને અત્યાર સુધી 17 દેશોની મુલાકાત લઈ ચૂકી છે. અગાઉ તે હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં સ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂકી છે. આ ઉપરાંત માનસી મલેશિયન એરલાઈન્સમાં એર હોસ્ટેસ તરીકે પણ નોકરી કરી ચૂકી હોવાનું સામે આવ્યું છે.
પ્રેમમાં મળેલી દગાબાજી અને નિષ્ફળતા બાદ તે ડિપ્રેશનમાં આવી
માનસીના જીવનમાં પ્રેમમાં મળેલી દગાબાજી અને નિષ્ફળતા બાદ તે ડિપ્રેશનમાં આવી ગઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારબાદ વર્ષ 2015થી તે ડ્રગ્સના રવાડે ચઢી ગઈ હતી. સમય જતાં ડ્રગ્સના વ્યસનમાંથી તે ડ્રગ્સના ગેરકાયદે વેપાર સુધી પહોંચી ગઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
કોડવર્ડનો ઉપયોગ કરીને ડ્રગ્સની ડીલ કરતી હતી
માનસી વોટ્સએપ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોડવર્ડનો ઉપયોગ કરીને ડ્રગ્સની ડીલ કરતી હતી. હાઈપ્રોફાઈલ અને એલાઈટ વર્ગના ગ્રાહકો સુધી ડ્રગ્સ પહોંચાડવાની તેની પદ્ધતિને લઈને પણ ક્રાઇમ બ્રાન્ચ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તેના સંપર્કો, ડ્રગ્સ સપ્લાય નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
1 કિલો MD ડ્રગ્સ સાથે માનસી સૈયદ અને સોહેલ સુલેમાન શેખની ધરપકડ
બે દિવસ અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચે 1 કિલો MD ડ્રગ્સ સાથે માનસી સૈયદ અને સોહેલ સુલેમાન શેખની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હવે રિમાન્ડ દરમિયાન ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવતું હતું, કોને સપ્લાય કરવામાં આવતું હતું અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat નજીક વંદે ભારત પર પથ્થરમારો, ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ