સફેદ કોટ પહેરવાનું દરેક મેડિકલ વિદ્યાર્થીનું એક સપનું હોય છે. કોઈ પોતાના માતા-પિતાનું સ્વપ્ન પૂરું કરવા માટે ડોક્ટર બનવા માંગે છે, તો કોઈ સમાજની સેવા કરવાનું ધ્યેય લઈને વર્ષો સુધી મહેનત કરે છે. પરંતુ જ્યારે એ જ સફેદ કોટની અંદર માનસિક ત્રાસ, અપમાન અને અમાનવીય વર્તન છુપાયેલું હોય, ત્યારે સપનાઓ ધીમે-ધીમે તૂટી જાય છે. સુરત સિવિલ મેડિકલ કોલેજના વિદ્યાર્થી ડૉ. હર્ષ પંડ્યાના આપઘાતે આજે માત્ર એક પરિવારને નહીં, પરંતુ સમગ્ર સમાજને હચમચાવી દીધો છે.
આજે સવારે ભારે હૃદય સાથે તેમની અંતિમ યાત્રા નીકળી
હર્ષ હવે આ દુનિયામાં નથી. તેમનો મૃતદેહ તેમના વતન મોડાસા લાવવામાં આવ્યો, જ્યાં આજે સવારે ભારે હૃદય સાથે તેમની અંતિમ યાત્રા નીકળી. જે દીકરાને એક દિવસ ડોક્ટર તરીકે લોકોના જીવ બચાવતા જોવાનું માતા-પિતાએ સ્વપ્ન જોયું હતું, આજે એ જ દીકરાને ખભા પર ઉઠાવીને અંતિમ વિદાય આપવાનો વારો આવ્યો. આ દૃશ્ય કોઈપણ માતા-પિતાના હૃદયને ચીરી નાખે એવું હતું.

હર્ષ સતત રેગિંગ અને માનસિક હેરાનગતિનો ભોગ બની રહ્યો હતો
પરિવારે શરૂઆતથી જ આક્ષેપ કર્યો હતો કે હર્ષ સતત રેગિંગ અને માનસિક હેરાનગતિનો ભોગ બની રહ્યો હતો. હવે તપાસમાં સામે આવેલા તથ્યોએ આ આરોપોને વધુ ગંભીર બનાવી દીધા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારને મોકલાયેલા તપાસ અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હર્ષ સાથે રેગિંગ થયું હતું અને સિનિયર ડોક્ટરો દ્વારા કરવામાં આવતી હેરાનગતિના અનેક પાસાઓ પુરવાર થયા છે.
કલાકો સુધી એક રૂમમાં ગોંધી રાખવામાં આવતા
અહેવાલ મુજબ હર્ષને અપશબ્દો કહેવામાં આવતા, કલાકો સુધી એક રૂમમાં ગોંધી રાખવામાં આવતા, અને નોકરની જેમ વધુ કામ કરાવવામાં આવતું. આ માત્ર કામનો ભાર નહોતો, પરંતુ એક વ્યક્તિના આત્મસન્માનને દરરોજ તોડી નાખવાનો પ્રયાસ હતો. માનસિક રીતે થાકી ગયેલા વિદ્યાર્થી માટે આ પરિસ્થિતિ કેટલી અસહ્ય હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
અમે તમારા બોસ છીએ... તમે અમારા સ્લેવ છો.
સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે હર્ષને વારંવાર કહેવામાં આવતું હતું – "અમે તમારા બોસ છીએ... તમે અમારા સ્લેવ છો... તમે અમારા નોકર છો." એક મેડિકલ વિદ્યાર્થી, જે આવતીકાલનો ડોક્ટર છે, તેને જો આવી ભાષામાં અપમાનિત કરવામાં આવે તો તેના આત્મવિશ્વાસ પર શું અસર થતી હશે? શિક્ષણના મંદિર જેવી સંસ્થામાં જો ગુરુત્વ, માર્ગદર્શન અને માનવતા બદલે અપમાન, ડર અને દબાણનું વાતાવરણ ઉભું થાય તો તે સમગ્ર વ્યવસ્થા માટે ચિંતાનો વિષય છે.
મેન્ટલ હેરેસમેન્ટ, લેક ઓફ ડિસેન્સી અને વર્બલ એબ્યુઝ
તપાસમાં મેન્ટલ હેરેસમેન્ટ, લેક ઓફ ડિસેન્સી અને વર્બલ એબ્યુઝ – આ ત્રણેય મુદ્દાઓ હેઠળ રેગિંગ થયાનું પુરવાર થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો આ અહેવાલ સત્તાવાર રીતે પણ માન્ય ઠરે છે, તો આ કેસ માત્ર એક વિદ્યાર્થીના આપઘાતનો નહીં રહે, પરંતુ સંસ્થાકીય નિષ્ફળતાનો જીવંત પુરાવો બની જશે.

હકીકતમાં રેગિંગ કોઈ પરંપરા નથી
રેગિંગને ઘણા લોકો આજે પણ "પરંપરા" અથવા "સિનિયરોનો હક" માનીને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ હકીકતમાં રેગિંગ કોઈ પરંપરા નથી, તે એક માનસિક અત્યાચાર છે. કોઈ વ્યક્તિને સતત અપમાનિત કરવો, ડરાવવો, ગુલામની જેમ વર્તવું, ગાળો આપવી અથવા અસહ્ય કામ કરાવવું – આ બધું માત્ર મજાક નહીં, પરંતુ ગંભીર ગુનો છે.
કાયદા માત્ર પુસ્તકોમાં નહીં, પરંતુ કેમ્પસમાં પણ જીવંત હોવા જોઈએ
હર્ષ પંડ્યાનો કેસ આપણને ફરી યાદ અપાવે છે કે કાયદા માત્ર પુસ્તકોમાં નહીં, પરંતુ કેમ્પસમાં પણ જીવંત હોવા જોઈએ. દરેક મેડિકલ કોલેજમાં એન્ટી-રેગિંગ સેલ માત્ર નામ પૂરતો નહીં, પરંતુ સક્રિય હોવો જોઈએ. દરેક ફરિયાદને ગંભીરતાથી સાંભળવી જોઈએ. કોઈ વિદ્યાર્થી ડર, અપમાન કે બદનામીના ભયથી ચૂપ ન રહે, તેવું વાતાવરણ ઊભું કરવું સમયની સૌથી મોટી જરૂરિયાત છે.

જવાબદારોને કડક સજા મળે
હર્ષ હવે પાછા નહીં આવે. તેમના માતા-પિતાની આંખોમાં રહેલી રાહ હવે ક્યારેય પૂરી નહીં થાય. પરંતુ જો આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં રેગિંગ સામે કડક કાર્યવાહી થાય, જવાબદારોને કડક સજા મળે અને ભવિષ્યમાં કોઈ અન્ય હર્ષને આ રસ્તો પસંદ કરવાની ફરજ ન પડે, તો કદાચ તેમના મૃત્યુમાંથી સમાજ એક મોટો પાઠ શીખી શકશે.
https://twitter.com/sandeshnews/status/2086691522293252109
વિદ્યાર્થી ડોક્ટર બનવા માટે કોલેજમાં પ્રવેશ લે છે, ગુલામ બનવા માટે નહીં
આજે હર્ષની અંતિમ યાત્રા માત્ર એક યુવાનને વિદાય આપવાની યાત્રા નહોતી. તે દરેક માતા-પિતાના સપનાઓની યાત્રા હતી, દરેક વિદ્યાર્થીના આત્મસન્માનની યાત્રા હતી અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને પૂછાયેલો એક મૌન પરંતુ અત્યંત કઠોર પ્રશ્ન હતો—શું આપણા કેમ્પસમાં જ્ઞાન વધારે છે કે ડર? માર્ગદર્શન વધારે છે કે માનસિક અત્યાચાર? હર્ષ પંડ્યાની યાદ હવે માત્ર એક નામ બનીને નહીં રહે. તે રેગિંગ વિરુદ્ધની લડાઈનું પ્રતીક બનવી જોઈએ. કારણ કે કોઈ પણ વિદ્યાર્થી ડોક્ટર બનવા માટે કોલેજમાં પ્રવેશ લે છે, ગુલામ બનવા માટે નહીં.
આ પણ વાંચો : Sandesh Indepth : 12થી 891 સુધીની સફર: ગીરના સાવજે કેવી રીતે જીત્યો અસ્તિત્વનો મહાસંગ્રામ?