સુરતમાં અલથાણ પોલીસે ફરી જૈનમ સમીર શાહ વિરુદ્ધ અટકાયતી પગલા લીધા છે અને જૈનમે અલથાણ પોલીસના PSI સાથે જાહેરમાં ઝપાઝપી કરી હતી, તે સાથે ઉપસ્થિત મીડિયા કર્મીનો ફોન આંચકી ફેકી દીધો હતો અને અગાઉ અલથાણ પોલીસે જૈનમને માફી પત્ર લખાવી જવા દેવતા ભારે વિવાદ સર્જાયો હતો, ઉલ્લેખનીય છેકે, પોલીસે પ્રેસનોટમાં હજી સુધી કેટલાક હજાર કે લાખનો દારૂ કે બિયર પકડાઈ તેનો ઉલ્લેખ કર્યો જ નથી.
વજ કાર લઈ રેસ્ટોરન્ટની બહાર હોવાની માહિતી મળતા અલથાણ પોલીસે દરોડા પાડયા હતા
વેસુની રેસ્ટોરન્ટમાં વિવાદિત સમીર શાહની બર્થ ડે પાર્ટીમાં દારૂ પીરસાતો હોવાની વાતથી ધાંધલ-ધમાલ મચ્યા બાદ સમીરના પુત્ર જૈનમે પીએસઆઈ પર સરાજાહેર હુમલો કરવાની ઘટનાના ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા. માફીનામું લખી છોડી દેવાયેલા જૈનમ સામે અલથાણ પોલીસે ભારે વાદવિવાદ થતા મોડે-મોડે અટકાયતી પગલાં ભરી સંતોષ માન્યો હતો. ગામ આખામાં લાઇવ વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસે રેસ્ટોરન્ટના ડીવીઆરના ડેટા મેળવશે. વેસુમાં જી.ડી.ગોએન્કા સ્કૂલ પાસે કે.એસ.અંતરવન રેસ્ટોરન્ટમાં નામચીન સમીર શાહની બર્થ ડે પાર્ટી હતી. આ પાર્ટી માટે સમીર મિત્ર વજ શાહ પાસે બિયરના ટીન મંગાવ્યા હોવાની અને વજ કાર લઈ રેસ્ટોરન્ટની બહાર હોવાની માહિતી મળતા અલથાણ પોલીસે દરોડા પાડયા હતા.
ગુનો નોંધવાને બદલે જૈનમ શાહ પાસે માફીનામું લખાવી છોડી દેવાયો હતો
અલથાણ પીએસઆઈ બી.વી.પટેલ વ્રજ શાહ સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે સમીર શાહના પુત્ર જૈનમે ધસી આવી પીએસઆઈ સાથે ગેરવર્તણૂંક કરી હતી. બેફામ બની દાદાગીરી કરવા સાથે ઝપાઝપી પણ કરી હતી. જે ઘટનાના લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા. દરમિયાન પીએસઆઈ પર સરાજાહેર હુમલાની ઘટનામાં અલથાણ પોલીસે ભીનું સંકેલું લીધું હતુ. સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવાને બદલે જૈનમ શાહ પાસે માફીનામું લખાવી છોડી દેવાયો હતો.
સમીર શાહ અને વ્રજ શાહની ધરપકડ કરી પોલીસે હાથ ખંખેરી લીધા હતા
આ મુદ્દે ભારે વાદવિવાદ સાથે સુરત પોલીસની ભારે ટીકા પણ થઇ હતી. વિવાદનો ઠંડો પાડવા પોલીસે શુક્રવારે રાત્રે જૈનમ શાહ સામે માત્ર અટકાયતી પગલાં ભરવાનો માત્ર દેખાડો કર્યો હતો.. આઈપીએસ અધિકારીઓ સાથેની લાગવગના જોરે સમીર શાહ ગંભીર ઘટનામાં પુત્રને જેલવાસથી બચાવવામાં સફળ થયો હતો. ઉચ્ચ અધિકારીઓએ રેસ્ટોરન્ટ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવા ડીવીઆરના ડેટા એકત્ર કરવાનો સૂર આલાપ્યો હતો.









