ભરૂચ રેલવે સ્ટેશન નજીક પાનોલી પાસે જયપુર-બાંદ્રા ટ્રેનના દરવાજે બેસેલા મુસાફર અશોક ગુર્જરનો મોબાઈલ ફોન ઝૂંટવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ આઘાતજનક ઘટના દરમિયાન મુસાફર અચાનક ટ્રેન નીચે આવી જતાં તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. ઘટના બાદ ભરૂચ રેલવે પોલીસે BNS ની કલમ 105 મુજબ અજાણ્યા ગુનેગારો સામે ગુનો નોંધીને તપાસની ચક્રો ગતિમાન કર્યા હતા.
સુરત રેલવે LCB એ CCTV અને બાતમીના આધારે ગુનો ઉકેલ્યો
સુરત રેલવે LCB ની ટીમે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે ઘટનાસ્થળ આસપાસના CCTV ફૂટેજ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ઘટનામાં સામેલ 3 આરોપીઓની ઓળખ કરી હતી. પોલીસની સઘન કામગીરી બાદ મુખ્ય આરોપી ઈશ્વર સહિત સહ-આરોપી રાકેશ વસાવાની અટકાયત અને ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ઈશ્વર અગાઉ પણ 11 ગુનાઓમાં સામેલ રહી ચૂક્યો છે અને પાસા (PASA) હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે.
