કાર ચાલક સેઝાન ચામડીયાને પોલીસે ઝડપ્યો છે અને બેદરકારી ભર્યુ ડ્રાઇવિંગ કરવા બદલ કાર્યવાહી કરી છે, ચાલકનુ લાયસન્સ પણ રદ્દ કરવા RTOને રિપોર્ટ કરવામાં આવ્યો છે, ડુમસ બીચ પર વાહન લઇ જવા પર પ્રતિબંધ છે તેમ છત્તા કાર દરિયાની અંદર સુધી લઈ જવામાં આવી હતી જેને લઈ સૌ કોઈમાં રોષ હતો. પોલીસે મર્સડિસ કારનો ઈન્સયોરન્સ કલેઈમ મંજુર ન થાય તે માટે વિમા કંપનીને રિપોર્ટ કરવામાં આવ્યો છે.
ડુમસ દરિયા કિનારે સહેલાણીઓનો સવારથી જ ધસારો જોવા મળે છે
દિવાળી વેકેશન હોવાથી ડુમસ દરિયા કિનારે સહેલાણીઓનો સવારથી જ ધસારો જોવા મળે છે, ત્યારે ઘોડદોડ રોડ ઉપર રહેતા કાપડના વેપારીનો પુત્ર મિત્રો સાથે લકઝુરિયસ કાર લઈને ડુમસ-ગણેશ મંદિર પાસે દરિયાકિનારે પહોંચી ગયો હતો. એકાએક આવેલી દરિયાઈ ભરતીમાં કાર ફસાઈ ગઈ હતી. ડુમસ બીચ ઉપર વાહનો લઇ જવા ઉપર પ્રતિબંધ હોવા છતાં આ યુવાન કાર લઈને કેવી રીતે ત્યાં પહોંચ્યો એવા સવાલ સાથે પોલીસની નિષ્કાળજી વર્તાઈ છે.
યુવાન દરિયાના પાણીમાં ફસાઈ જતાં તે બેબાકળો બની ગયો હતો
પોલીસ દ્વારા વાહનચાલકો સામે કડક પગલાં ભરવામાં નહીં આવતા વારંવાર નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. અને આવા બનાવોનું પુનરાવર્તન થઇ રહ્યું છે. ડુમસમાં રોજ સવારે લોકો વોકિંગ કરવા જાય છે, જ્યાં ભારે ધસારો જોવા મળે છે. ત્યારે આજે સવારે બીચ ઉપર યુવાન સેઝાન સલીમ ચામડિયા (ઉ.વ. 18, રહે. ગ્રીન એવન્યુ, ઘોડદોડ રોડ, સુરત) પોતાની મર્સિડીઝ કાર (જીજે 5 જેએચ 5155) લઈને પહોંચી ગયો હતો. યુવાન તેના મિત્રો સાથે સેલ્ફી લેવામાં મશગુલ હતો ત્યારે અચાનક આવેલી દરિયાઈ ભરતીને કારણે પાણી બીચ ઉપર ફરી વળ્યું હતું. લકઝુરિયસ કાર સાથે યુવાન દરિયાના પાણીમાં ફસાઈ જતાં તે બેબાકળો બની ગયો હતો.
પોલીસે યુવાન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ત્યારબાદ સફાળી જાગેલી ડુમસ પોલીસ દોડી આવી હતી. તેમજ કેન દ્વારા ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી. જો કે સાંજે કારના ચાલક સેઝાન ચામડિયા સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવા અંગે ગુનો નોંધ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. સેઝાન અમદાવાદની કોલેજમાં બી.એ.નો અભ્યાસ કરતો હોવાનું અને કતારગામમાં સાડીના ટીકી વર્કના વેપાર સાથે સંકળાયેલા વેપારીનો પુત્ર હોવાનું પોલીસે જણાવ્યું હતું. સેઝાને કરેલી ગંભીર ભૂલમાં દરિયામાં ફસાયેલી કારને બહાર કાઢવા માટે બોલાવેલી ક્રેનનો ખર્ચ પણ ચામડિયા પરિવારે ભોગવ્યો હતો. ડુમસ પોલીસે આ કૃત્ય બદલ મર્સિડીઝ કારનો વિમા કલેઈમ મંજુર નહીં કરવા પોલીસે રિપોર્ટ કરશે.









