સુરતના ડિંડોલી વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર અને પોલીસ વચ્ચે બબાલ થઈ હોવાની ઘટના બની છે. મોડી રાત્રે ખાણી પીણીની દુકાનો બંધ કરાવવા મુદ્દે કોર્પોરેટના પુત્ર અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસે હોટલમાં જમતા લોકો સાથે અસભ્ય વર્તન કર્યુ હોવાનું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાની ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કોર્પોરેટરના પુત્રની ફરિયાદના આધારે ઉપરી અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.
દુકાનો બંધ કરાવવા અપશબ્દો બોલ્યાનો આક્ષેપ
સુરતમાં કોર્પોરેટર સુધાકર ચૌધરીના પુત્ર રાહુલ ચૌધરીએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. બે દિવસ પહેલા ડિંડોલી વિસ્તારમાં રાહુલને પોલીસ સાથે બબાલ થઈ હતી. તેમણે પોલીસ સામે આક્ષેપ કર્યો હતો કે, રાત્રે 10 વાગ્યા બાદ પોલીસ દુકાનો બંધ કરાવતી વખતે અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે. હોટલમાં જમી રહેલા લોકો સાથે પણ પોલીસ ખરાબ ભાષામાં વાતો કરી હોટેલ બંધ કરાવે છે.
તારી હોટેલ ફટાફટ બંધ કર નહીં તો જેલમાં નાંખી દઈશું
રાહુલ ચૌધરીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે મંડપ અને કેટરિંગનો ધંધો કરે છે. રાત્રે પોલીસ કર્મીઓ સાદા કપડામાં આવ્યા અને તાત્કાલિક દુકાનો બંધ કરાવવાનું શરૂ કર્યું હતું. તેમણે વેપારીઓ અને જમી રહેલા લોકો સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. પોલીસને આવી ભાષાનો પ્રયોગ નહીં કરવા અંગે જણાવતા પોલીસે કહ્યું હતું કે, તારી હોટેલ ફટાફટ બંધ કર નહીં તો જેલમાં નાંખી દઈશું. પોલીસે મારો કોલર પકડીને બળજબરીથી ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો.









