બેંક એકાઉન્ટ ભાડે મેળવવા 1.75 લાખ મળતા હોવાનો ખુલાસો થયો છે, કમિશન લઇ અન્ય રૂપિયા બેંક એકાઉન્ટ હોલ્ડરને અપાતા હોવાની વાત સામે આવી છે. અમરોલી કોસાડ આવાસમાં સ્ટાર પેલેસ રેસિડેન્ટના મકાન નંબર I504માં બાતમીના આધારે કરાયો દરોડો અને દરોડા દરમિયાન ઘરમાંથી મોટા પાયે બેંકની પાસબુક, ATM, સ્કેનર, સિમ કાર્ડ, મોબાઈલ, સ્વાઇપિંગ મશીન જપ્ત કરવામાં આવ્યા છે, 155 બેંક એકાઉન્ટની બેક કીટ તપાસ દરમિયાન રૂમમાંથી મળી આવી છે.
એક બેંક અકાઉન્ટ કીટ ભાડે મેળવવા માટે 1.75 લાખ રૂપિયા મળતા હતા
સાયબર ક્રાઇમ માટે બેંક કીટ અને સીમકાર્ડ દુબઈ મોકલવાના વધુ એક રેકેટનો સાયબર સેલે પર્દાફાશ કર્યો હતો. અમરોલી અને કોસાડમાં દરોડા પાડી પ્રવિણ ધાધલને પકડી લેવાયો હતો તો તેના પુત્રને વોન્ટેડ જાહેર કરાયો હતો. બાપ-બેટા બે વર્ષથી આ ગોરખધંધા કરતા હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. મળતી વિગતો પ્રમાણે સાયબર સેલે બાતમીના આધારે કોસાડમાં ક્રિષ્ણા રેસિડન્સી સામે સ્ટાર પેલેસના ફ્લેટમાં અને અમરોલી મનિપા ગરનાળા પાસે મનિષા સોસાયટીમાં દરોડા પાડયા હતા.
આરોપીઓ અલગ-અલગ બેંકોમાં એકાઉન્ટ ઓપન કરાવતા હતા
અહીં પ્રવિણ ધાધલ અને તેનો પુત્ર ચંદ્રરાજ પોતાના મળતિયાઓ સાથે મળી ઉદ્યમ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ કઢાવી ખોટી પેઢીઓ ઉભી કરી અલગ-અલગ બેંકોમાં એકાઉન્ટ ઓપન કરાવતા હતા. જે બેંક એકાઉન્ટોની ઇન્સ્ટન્ટ કીટો તથા સીમકાર્ડ કમિશન પર મેળવી દુબઈ સાયબર માફિયાને પહોંચાડવાનો ગોરખધંધો કરતા હતા. સાયબર સેલે પ્રવિણ જીલુ ધાધલ (ઉ.વ.૫૧, રહે- સ્ટાર પેલેસ, કોસાડ- મુળ બોટાદ)ને પકડી પાડયો હતો. જ્યારે તેના પુત્ર ચંદ્રરાજને વોન્ટેડ જાહેર કરાયો હતો. સાયબર સેલે ૩ મોબાઈલ, ૧૨ ડેબિટ કાર્ડ, ૧૯ પાસબુક, ૧૩૨ ચેકબુક, ૧૧ સીમકાર્ડ, ૫૪ સીમકાર્ડ કવર, ૭ રબર સ્ટેમ્પ, સ્વાઈપ મશીન, ડાયરી ૩૫ ક્યુઆર કોડ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. બેંક એકાઉન્ટ દીઠ તેઓને રૂા.૧.૭૫ લાખ કમિશન આંગડિયા મારફતે તેને મળતું હતુ. પ્રવિણ ૬૦ હજાર પોતાના કમિશનના કાઢી ૧.૧૫ લાખ એકાઉન્ટધારકને આપતો હતો. આ રેકેટના મુળ સુધી પહોંચવા પોલીસે કમર કસી છે.









