સુરતના અડાજણમાં પરશુરામ ગાર્ડન પાસે તબીબના બંગલામાં ચોરી કરનારા નેપાળી ગેંગના ૩ સાગરિતોને ક્રાઈમ બ્રાંચે પકડી પાડયા હતા. તબીબ દિવાળીમાં રાજસ્થાન ફરવા ગયા હતા ત્યારે ઘરમાં તસ્કરોએ ધાપ મારી હતી. અડાજણમાં પરશુરામ ગાર્ડન રોડ પર રણછોડ પાર્ક સોસાયટીમાં આવેલા બંગલામાં રહેતા ડો. રાજેશ શશીધર ત્રિવેદી ગુજરાત ગેસ સર્કલ, મુક્તાનંદ સોસાયટી ખાતે આસ્થા હોસ્પિટલમાં ફરજ બજાવે છે.
પરિવાર ફરવા ગયો હતો અને ઘરમાં ચોરી થઈ હતી
ગત તા. ૨૩ ઓક્ટોબરના રોજ ત્રિવેદી પરિવાર રાજસ્થાનના જોધપુર ખાતે દિવાળી વેકેશન હોવાથી ફરવા નીકળ્યો હતો. તેઓ જોધપુર હતા ત્યારે તેમના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરા અંગે એલર્ટ મેસેજ મોબાઈલમાં મળ્યો હતો. મોબાઇલ ફોનમાં નોટિફિકેશન દ્વારા જાણ થઇ હતી કે મકાનમાં બે અજાણ્યાએ પહેલા માળની બારી તોડીને પ્રવેશ કર્યો હતો, તેમજ કબાટમાં મૂકેલા રૂ ૩૦,૦૦૦ની ચોરી કરી રહ્યા હતા. એ પછી ડો. રાજેશે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં પીસીઆર વાનમાં સ્ટાફ દોડી ગયો હતો.
પોલીસ પહોંચે એ પહેલા જ બે તસ્કરો ચોરી કરીને ભાગી છૂટ્યા હતા.
ચોરીના બનાવ અંગે ડો.રાજેશ ત્રિવેદીએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાંચે આ ચોરીનો ભેદ ઉકેલી નાખી અમરોલી તથા પાલનપુર ઉગત રોડ પરથી નેપાળી ગેંગના ૩ સભ્યો ભોપીન્દ્ર પ્રેમસિંગ સારકી (ઉ.વ.૨૧, રહે- પ્રયાગરાજ એપાર્ટમેન્ટ, પાલનપુર જકાતનાકા- મુળ નેપાળ), રોશન હરેશ સારકી (ઉ.વ.૨૨, રહે- એમએસસી આવાસ, સરિતા ડેરી પાસે, અડાજણ- મુળ નેપાળ) અને સૌરભ રમેશ કનોજીયા (ઉ.વ.૨૭, રહે-સંત તુકારામ સોસાયટી, પાલનપુર જકાતનાકા પાસે- મુળ પ્રયાગરાજ, યુપી)ને પકડી પાડયા હતા.









